બેંગલુરુઃ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે એ વટહુકમને મંજૂરી આપી દીધી છે, જે કર્ણાટક ધાર્મિક સ્વતંત્રતા અધિકાર વિધેયક, 2021ને અસરકારક બનાવે છે. એ ધર્માંતરણવિરોધી વિધેયક તરીકે પણ ઓળખાય છે. આ વિધેયકને રાજ્ય વિધાનસભાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પસાર કર્યું હતું, પણ વિધાન પરિષદમાં એ અટકેલું છે, કેમ કે અહીં સત્તારૂઢ ભાજપની પાસે બહુમત નથી, એ ગેઝેટ જાહેરનામામાં કહેવામાં આવ્યું છે.
કર્ણાટક વિધાનસભા અને વિધાન પરિષદ સત્ર નથી ચાલી રહ્યું અને રાજ્યપાલ આ વાતે સહમત છે, જેથી વટહુકમ જારી કરવા માટે તેમણે તત્કાળ કાર્યવાહી કરવી પડી હતી.
આ વટહુકમમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ, તેનાં માતા-પિતા, બહેન અથવા અન્ય વ્યક્તિ- જેની સાથે લોહીનો સંબંધ છે, લગ્ન સંબંધ છે અથવા કોઈ પણ સંબંધ હોય તે આ પ્રકારના ધર્માંતરણ પર ફરિયાદ દાખલ કરી શકે છે. દોષીને ત્રણ વર્ષની કેદની સજા થઈ શકે છે, જે વધારીને પાંચ વર્ષ સુધી કરી શકાય છે અને તેણે રૂ. 25,000ના દંડની રકમ ભરવાની રહેશે.
કર્ણાટકના ગૃહપ્રધાન અરાજયા જનેન્દ્રએ કહ્યું હતું કે તે કોઈ પણ ધર્મની વિરુદ્ધ નથી, પણ બળજબરી કરવાવાળા ધર્માંતરણ માટે બંધારણમાં કોઈ જગ્યા નથી. તેઓ આ કાયદાને સખતાઈથી લાગુ કરશે. તેમણે ખ્રિસ્તી સમાજને ભયમુક્ત કરવાના ઇરાદે કહ્યું હતું કે આ પ્રસ્તાવિત કાયદામાં એવું કંઈ નથી કે એનાથી કોઈના ધાર્મિક અધિકારોમાં કોઈ કાપ મુકાય.
આ પહેલાં મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈ સ્પષ્ટતા કરી ચૂક્યા છે. બધા ધાર્મિક સમુદાયના લોકોને ધર્માંતરણવિરોધી કાનૂની સંબંધે ગભરાવાની જરૂર નથી. બંધારણ મુજબ દેશમાં બધા ધર્મના લોકોને પોતાના ધર્મનું પાલન કરવા અથવા તેમની મુજબ પ્રાર્થના કરવાની મંજૂરી છે.