નવી દિલ્હીઃ રાજ્યસભાના સદસ્ય કપિલ સિબ્બલ આજે અહીં રામલીલા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેર સભામાં ગયા હતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ સાથે સ્ટેજ પર સ્થાન મેળવ્યું હતું. AAP દ્વારા આ રેલી કેન્દ્ર સરકારે સરકારી સેવાઓને અંકુશમાં લેવા માટે બહાર પાડેલા વટહૂકમ સામેના વિરોધમાં યોજવામાં આવી હતી. કપિલ સિબ્બલે 2022માં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
લોકોને આશ્ચર્ય એ વાતનું થયું છે કે 2011માં કેજરીવાલે ભ્રષ્ટાચારના મુદ્દે સિબ્બલ અને કોંગ્રેસ પાર્ટી પર આકરાં પ્રહારો કર્યા હતા, સિબ્બલને ભ્રષ્ટ નેતા કહ્યા હતા, પણ એ જ સિબ્બલને આજની રેલીમાં સ્ટેજ પર બેસાડ્યા હતા. સિબ્બલે સભાને સંબોધિત પણ કરી હતી અને કહ્યું હતું કે જનતા હવે મોદી સરકારથી ત્રાસી ગઈ છે. હું આજે અહીં એ દર્શાવવા માટે આવ્યો છું કે દેશના બંધારણ પર પ્રહાર થાય એ દરેક વખતે આપણે સહુએ સંગઠિત રહેવું જોઈએ. આવનારા દિવસોમાં હું જુદે જુદે સ્થળે જવાનો છું અને લોકોને જણાવવાનો છું કે હવે આપણે મોદીજી વિરુદ્ધ સંગઠિત થવાનો અને લડત ચલાવવાનો સમય આવી ગયો છે. જનતાને મોદી ગમતા નથી. લોકો કહે છે, મોદી સરકારનું હવે બહું થયું. તમને (મોદીને) પૂરતો સમય આપ્યો હતો. તમે ધનવાન લોકોના વડા પ્રધાન છો, તમે ગરીબ લોકોની તકલીફો પર ધ્યાન આપતા નથી. સરકારનો એકેય વિભાગ લોકોની સુખાકારી માટે કામ કરતો નથી.
બીજી બાજુ, કેજરીવાલે કહ્યું કે, ‘આજની રેલી સરમુખત્યારશાહી વિરુદ્ધ એક આંદોલન સમાન છે. 12 વર્ષ પહેલાં આ જ રામલીલા મેદાનના મંચ પરથી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈએ સફળતા મેળવી હતી. આજે આ જ મંચ પરથી સરમુખત્યારશાહીવાળી સરકારને દૂર કરવા અને લોકશાહી તથા બંધારણને બચાવવા માટેનું આંદોલન શરૂ કરીએ છીએ.’ કપિલ સિબ્બલને ‘બંધારણીય નિષ્ણાત’ તરીકે AAPની રેલીમાં આમંત્રિત કર્યા છે એવું તેમણે કહ્યું હતું.