લખનઉઃ કોરોનાવાઈરસ બીમારી ફેલાઈ હોવાથી આ વર્ષે વાર્ષિક કાંવડ યાત્રાને કોઈ પણ પ્રકારે કાઢવાની પરવાનગી આપવામાં નહીં આવે એવી સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે તાકીદ કર્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં કાંવડ યાત્રા રદ કરી દીધી છે. રાજ્ય સરકારના અતિરિક્ત મુખ્ય સચિવ (માહિતી) નવનીત સેહગલે આ જાણકારી આપી છે. કાંવડ યાત્રા 25 જુલાઈથી શરૂ થવાની હતી અને ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી ચાલવાની હતી. હરિદ્વારમાં જઈને ગંગાજળ એકત્ર કરવા માટેની આ કાંવડ યાત્રામાં ઉત્તર પ્રદેશ ઉપરાંત પડોશના હરિયાણા અને દિલ્હીમાંથી ભગવાન શંકરના હજારો ભક્તો જોડાતાં હોય છે.
સુપ્રીમ કોર્ટે ગયા શુક્રવારે કાંવડ યાત્રાના મામલે સુઓ મોટો (સ્વયંપ્રેરિત) કેસ હાથ ધરીને કરેલી સુનાવણીમાં કહ્યું હતું કે કોવિડ બીમારીને ધ્યાનમાં લેતાં અમે શારીરિક રીતે કાંવડ યાત્રા કાઢવાની ઉત્તર પ્રદેશ સરકારને પરવાનગી આપી શકીએ નહીં. રાજ્ય સરકાર કાંવડ યાત્રાને રદ કરે નહીં તો અમારે સોમવારે તેને એમ કરવાનો આદેશ આપવો પડશે. ધાર્મિક લાગણી સહિત બીજી તમામ પ્રકારની લાગણી નાગરિકોનાં જીવન જીવવાનાં મૂળભૂત અધિકારને આધીન છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય નિષ્ણાતોએ દેશમાં કોરોનાની ત્રીજી લહેર ફેલાવાની ચેતવણી આપી દેતાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેણે રાજ્ય સરકારોને જણાવી દીધું છે કે તેમણે કાંવડ યાત્રાને કોઈ પણ સ્વરૂપમાં કાઢવાની પરવાનગી આપવી ન જોઈએ.