કાનપુરઃ 80 ના દશકની શરુઆતમાં દેશ-પ્રદેશની રાજનીતિમાં ભૂકંપ લાવનારા બેહમઈ કાંડ મામલે આજે નીચલી કોર્ટનો નિર્ણય આવી શકે છે. આ કાંડના મુખ્ય આરોપી ફૂલન દેવીની 2001 માં હત્યા કરી દેવામાં આવી હતી. 2011માં જે પાંચ આરોપીઓ વિરુદ્ધ ટ્રાયલ શરુ થઇ હતી તેમાંથી એકનું મોત થયું છે.ફૂલનદેવી સાથે જોડાયેલા કાંડ મામલે આજે આવી શકે છે નિર્ણય
આરોપ છે કે પોત-પોતાના સાથે થયેલા ગેંગ રેપનો બદલો લેવા માટે 14 ફેબ્રુઆરી 1981 ના રોજ ફૂલન દેવી અને તેની ગેંગના ઘણા અન્ય લોકોએ કાનપુરના બેહમઈ ગામમાં 20 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આમાં 17 લોકો ઠાકુર સમાજ સાથે સંબંધ ધરાવતા હતા. ઘટનાના બે વર્ષ બાદ સુધી પણ ફૂલનની પોલીસ ધરપકડ ન કરી શકી.
1983 માં ફૂલન દેવીએ ઘણી શરતો સાથે મધ્યપ્રદેશમાં આત્મસમર્પણ કર્યું હતું. 1993 માં ફૂલન જેલથી બહાર આવી ગઈ હતી. તે સમાજવાદી પાર્ટીની ટીકિટ પર મિરઝાપુર લોકસભા સીટથી બે વાર સાંસદ બની હતી. 2001માં શેર સિંહ રાણાએ ફૂલન દેવીની દિલ્હીમાં તેમના ઘર પાસે જ હત્યા કરી નાંખી હતી. 2011 માં રામ સિંહ, ભીખા, પોસા, વિશ્વનાથ ઉર્ફે પુતાની અને શ્યામબાબુ વિરુદ્ધ આરોપ નક્કી થયા બાદ ટ્રાયલ શરુ થયું. રામ સિંહનું જેલમાં જ મોત થયું. અત્યારે પોસા જેલમાં છે.
આ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોની વિધવાઓ ન્યાય માટે વાટ જોતી રહી. આ પૈકી અત્યારે 8 ની વિધવા જીવિત છે.આ લોકો પશુપાલન કરીને પોતાનું જીવન પસાર કરી રહી છે. તેમને વિધવા પેન્શન આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ તે માત્ર વચન જ રહી ગયું. ગામમાં વિજળી ક્યારેક જ આવે છે અને રાતના સમયે તો આખુ ગામ અંધકારમાં ડૂબી જાય છે. અહીંયા નજીકનું બસ્ટેન્ડ પણ 14 કિલોમીટર દૂર છે. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી જવામાં બે કલાક જેટલો સમય લાગી જાય છે. 300 ઘરના આ ગામમાં રહેતી વિધવાઓ પાસે ગરીબીમાં જીવ્યા સિવાયનો કોઈ રસ્તો બચ્યો નથી.