નાગરિકતા બીલ મુદ્દે ચર્ચા માટે બોલીવુડના દિગ્ગજ ચેહેરાઓની ગેરહાજરી

મુંબઈ: દેશના અનેક રાજ્યોમાં નાગરિકતા સંશોધન કાયદાને પરત લેવાની માગને લઈને સતત પ્રદર્શન થઈ રહ્યું છે. ડિસેમ્બરમાં આ બિલને સંસદમાં રજૂ કર્યા પછી અસમમાં ભડકેલી હિંસા ધીમે ધીમે દેશભરમાં ફેલાઈ ગઈ. જો કે વિરોધ વચ્ચે પણ ગૃહમંત્રી અમિત શાહે કાયદાને પરત ખેંચવાનો ઈનકાર કરી દીધો છે.

મોદી સરકાર રેલી, જનસભા અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આની સાથે જોડાયેલા પાસાંઓથી વાકેફ કરાવી રહી છે. કેન્દ્રીય મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવી રહ્યા છે કે, વિપક્ષી દળો પોતોના ફાયદા માટે આ કાયદાની આડમાં રાજકીય રોટલા શેકી રહ્યા છે. મોદી સરકરાના મંત્રી પીયુષ ગોયલ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જય પાંડાએ રવિવારે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં બોલિવુડ સિતારાઓને સીએએ પર ચર્ચા માટે બોલાવ્યા હતાં.

કાર્યક્રમ માટે ભાજપે અનેક સિતારાઓને આમંત્રણ આપ્યું હતુ પણ અમુક સ્ટાર્સે જ હાજરી આપી હતી. રવિવારે સવારે જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, જાવેદ અખ્તર, વિક્કી કૌશલ, આયુષ્માન ખુરાના, રવીના ટંડન, કંગના રનૌત, બોની કપૂર અને મધુર ભંડારકર સહિત ફિલ્મી દુનિયાના અનેક દિગ્ગજ ચહેરાઓ આ બેઠકમાં ભાગ લેશે પણ એવું ન થયું. સીએએ પર ચર્ચા માટે ભૂષણ કુમાર, રિતેશ સિધવાની, રમેશ તૌરાની, રાહુલ રવેલ, પ્રસૂન જોશી, શાન, કૈલાશ ખેર, રણવીર શૌરી, ઉર્વશી રાઉતેલા અને અનુ મલિક હાજર રહ્યા હતા. બોલીવુડના મુખ્ય કહેવાતા સ્ટાર્સે આ કાર્યક્રમથી દૂરી રાખી હતી. જોકે અન્ય ફિલ્મી સ્ટાર્સ શા માટે હાજર ન રહ્યા તેનું કારણ હજુ સ્પષ્ટ નથી.

કાર્યક્રમમાં હાજર રહેલા એક કલાકારે કહ્યું, મને આશા હતી બોલિવુડના દિગ્ગજ ચહેરાઓ આવશે પણ એવું ન થયું. કાર્યક્રમનો હેતુ સીએએને લઈને ચાલી રહેલા કન્ફ્યુઝનને દૂર કરવાનો હતો. નાગરિકતા કાયદાને લઈ ખોટી માહિતી પ્રસારિત થઈ રહી છે અને તેને દૂર કરવા માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ભવિષ્યમાં મોદી સરકાર તરફથી જૂદા જૂદા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.