હાલ મને ક્યાંય સલામતી જણાતી-નથીઃ લીના મણિમેકલઈ

ટોરોન્ટો/મુંબઈ: પોતાની દસ્તાવેજી ફિલ્મ ’કાલી’માં કાલી માતાને અપમાનજનક રીતે દર્શાવવા બદલ વિવાદમાં સપડાયેલાં ફિલ્મનિર્માત્રી લીના મણિમેકલઈએ કહ્યું છે કે હાલને તબક્કે એ પોતાને ક્યાંય સુરક્ષિત માનતાં નથી. એક મુલાકાતમાં એમણે કહ્યું, ‘એવું લાગે છે કે આખો ભારત દેશ હવે સૌથી મોટા લોકતંત્રમાંથી નફરતનું સૌથી મોટું મશીન બની ગયો છે, જે મને સેન્સર કરવા માગે છે. હાલ હું ક્યાંય પણ સ્વયંને સુરક્ષિત હોવાનો અનુભવ કરી શકતી નથી.’ ‘કાલી’ ફિલ્મના પોસ્ટરમાં કાલી માતાને ધૂમ્રપાન કરતાં અને હાથમાં LGBTQ ઘ્વજ પકડતાં દર્શાવતાં કેનેડામાં વસતાં ભારતીયો તથા ભારતભરમાં ઉહાપોહ મચી ગયો છે.

ગાર્ડિયન અખબારને આપેલી મુલાકાતમાં લીનાએ તેમની પરના એ આક્ષેપોને નકારી કાઢ્યા છે કે એમની ફિલ્મ દેવી કે હિન્દુત્વનું અપમાન કરે છે. એમણે કહ્યું કે, પોતાનો ઉછેર તામિલનાડુમાં હિન્દુ પરિવારમાં જ થયો છે, પરંતુ હવે પોતે નાસ્તિક છે. લીના તામિલનાડુના મદુરાઈનાં વતની છે. એમણે કહ્યું કે, ‘અમારા રાજ્યમાં કાલી માતાને બકરાના લોહીમાં રાંધેલું માંસ ખાતાં, શરાબ પીતાં, બીડી (સિગારેટ) ફૂંકતાં અને જંગલી નૃત્ય કરતાં માનવામાં આવે છે. એ જ કાલીને મેં મારી ફિલ્મમાં સાકાર કર્યાં છે. રૂઢિવાદી ઘટકોમાંથી મારી સંસ્કૃતિ, પરંપરા અને ટેક્સ્ટ પરત લેવાનો મને પૂરો અધિકાર છે.’

લીના સામે ભારતના અનેક રાજ્યોમાં પોલીસ કેસ (એફઆઈઆર) નોંધવામાં આવ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, ભોપાલ, રતલામ સહિત અનેક શહેરોમાં એમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કાલી દસ્તાવેજી ફિલ્મના પોસ્ટરને કેનેડાના ટોરન્ટો શહેરના આગા ખાન મ્યુઝિયમમાં એક પ્રોજેક્ટના ભાગરૂપે દર્શાવવામાં આવ્યું હતું.