બ્રિટિશ જમાનાની શિક્ષણપદ્ધતિમાં ફેરફારો કરવા જરૂરીઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે બ્રિટિશ શાસકોએ ભારતને જે શિક્ષણ પદ્ધતિ આપી હતી એનો ઉદ્દેશ્ય માત્ર એમની પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક ‘નોકર-વર્ગ’ ઊભો કરવા પૂરતો જ હતો. આપણે એમાં હજી ઘણા ફેરફારો કરવાની જરૂર છે.

વડા પ્રધાન મોદીએ અહીં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ અંગેના શિખર સંમેલનમાં કહ્યું કે શિક્ષણ પદ્ધતિ માત્ર ડિગ્રી-ધારકો પેદા કરનારી હોવી ન જોઈએ, પરંતુ દેશને પ્રગતિના પંથે આગળ વધારવા માટે જરૂરી એવા માનવ સંસાધન પૂરા પાડનારી પણ હોવી જોઈએ. દેશમાં રચાયેલી શિક્ષણ પદ્ધતિનો હેતુ માત્ર રોજગાર પૂરા પાડવાનો છે. બ્રિટિશ શાસકોએ એમની પોતાની જરૂરિયાતોને પૂરી પાડવા માટે નોકર વર્ગ તૈયાર કરવા માટે આ શિક્ષણ પદ્ધતિ બનાવી હતી. આપણો દેશ આઝાદ થયો એ પછી કેટલાક ફેરફારો કરાયા છે, પરંતુ હજી એમાં વધારે ફેરફારો કરવાની આવશ્યક્તા છે.

ત્રણ-દિવસીય શિખર સંમેલનનું આયોજન કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય, યૂનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને બનારસ હિન્દુ યૂનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.