નવી દિલ્હીઃ ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના ભારતનાં પ્રથમ મહિલા વડાં ન્યાયમૂર્તિ બની શકે છે, પરંતુ એ માટે 2027 સુધી રાહ જોવી પડશે. દેશના વર્તમાન ચીફ જસ્ટિસ એન.વી. રમનાના નેતૃત્ત્વમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમ (સમૂહ)એ 9 ન્યાયાધીશોનાં નામ આપ્યા છે અને ભલામણ કરી છે કે એમને સર્વોચ્ચ અદાલતના જજ તરીકે બઢતી આપવી જોઈએ. આ યાદીમાં ત્રણ મહિલા ન્યાયાધીશનો સમાવેશ થાય છે અને બી.વી. નાગરત્ના એમાંનાં એક છે. જો એમની બઢતી થશે તો 2027માં તેઓ દેશનાં પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે. ઉલ્લેખનીય છે કે દેશના ચીફ જસ્ટિસ તરીકે મહિલાની નિમણૂક કરાય એવી માગણી થતી રહી છે. દેશના ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેએ પોતાના પદ પરથી નિવૃત્ત થતા પૂર્વે કહ્યું હતું કે ભારતમાં મહિલા વડાં ન્યાયમૂર્તિને નિયુક્ત કરવાનો સમય આવી ગયો છે.
ન્યાયમૂર્તિ નાગરત્ના હાલ કર્ણાટક હાઈકોર્ટનાં ન્યાયાધીશ છે. જો એ દેશનાં ચીફ જસ્ટિસ બનશે તો એમનાં પિતાનાં માર્ગે ચાલશે. એમનાં પિતા ઈ.એસ. વેંકટરામૈયા 1989ના જૂન અને 1989ના ડિસેમ્બર વચ્ચેના સમયગાળામાં દેશના ચીફ જસ્ટિસ બન્યા હતા. ભલામણની યાદીમાં સામેલ અન્ય બે મહિલા ન્યાયાધીશ છે – જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ હિમા કોહલી (તેલંગણા હાઈકોર્ટ). ગુજરાત હાઈકોર્ટના જ ચીફ જસ્ટિસ વિક્રમ નાથના નામની પણ કોલેજીયમ દ્વારા સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવા માટે ભલામણ કરવામાં આવી છે.