જયપુર – બોલીવૂડની આગામી અને વિવાદાસ્પદ બની ગયેલી ફિલ્મ ‘પદ્માવતી’ સામેના વિરોધમાં અજમેરની દરગાહના દીવાન ઝૈનુલ અબેદીન અલી ખાન પણ સામેલ થયા છે અને આ ફિલ્મ લોકોની ધાર્મિક લાગણીને દુભાવે એવી હોવાથી એની રિલીઝ પર પ્રતિબંધ મૂકવો જોઈએ એવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે.
દરગાહના દીવાને ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલીને વિવાદાસ્પદ લેખકો સલમાન રશ્દી, તસલીમા નસરીનની સાથે સરખાવ્યા છે અને વધુમાં કહ્યું છે કે મુસ્લિમોએ આ ફિલ્મનો બહિષ્કાર કરવો જોઈએ.
‘પદ્માવતી’ ફિલ્મને રિલીઝ થતી રોકવાની અજમેર દરગાહના દીવાન ઝૈનુલ અબેદીન અલી ખાને વડાપ્રધાન મોદીને વિનંતી કરી. કહ્યું, મુસ્લિમોએ આ ફિલ્મનો બહિષ્કાર કરવો જોઈએ.
‘પદ્માવતી’ ફિલ્મ આવતી ૧ ડિસેમ્બરે રિલીઝ થવાનું નિર્ધારિત છે.
એક નિવેદનમાં અબેદીને એવો આક્ષેપ કર્યો છે કે ભણસાલીએ એમના નિવેદનો દ્વારા અને અભિવ્યક્તિની આઝાદીનો લાભ ઉઠાવીને મુસ્લિમોની ધાર્મિક લાગણી સાથે રમત રમી છે.
અબેદીને કહ્યું કે ‘પદ્માવતી’ ફિલ્મમાં ઐતિહાસિક હકીકતોને વિકૃત કરીને બતાવવામાં આવી છે. જો આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી જાય એવી સંભાવના છે.
અબેદીને કહ્યું છે કે આ ફિલ્મ વિશે ફેરવિચારણા કરવાની જરૂર છે અને કોઈ પણ સમુદાયની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે એની તકેદારી રાખવી જોઈએ.