કાશ્મીરમાં સૈન્યને મળી મોટી સફળતા, ત્રણ આતંકી જીવતાં ઝલાયાં

જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં સેનાને એક મોટી સફળતા મળી છે. સેના અને રાજ્ય પોલિસ દ્વારા કરવામાં આવેલા એક સંયુક્ત ઓપરેશનમાં હલનકુંડ અંતર્ગત કુલગામ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં સર્ચ કરીને ત્રણ આતંકીઓને જીવતાં ઝડપી લેવાયાં છે. પકડાયેલાં ત્રણ આતંકીઓ પૈકી એક આતંકી ઘાયલ છે. આ મોટી સફળતા પર સેનાએ જણાવ્યું છે કે જ્યારે જરૂર પડશે ત્યારે સેના દ્વારા આ પ્રકારના અભિયાનો થતા રહેશે.
જમ્મુકાશ્મીર પોલિસના આઈજી મુનીર ખાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ અભિયાન 14 નવેમ્બરથી ચાલી રહ્યું છે. આમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓને જીવતા ઝડપી પાડવામાં આવ્યા છે. મુનીરે જણાવ્યું કે પકડાયેલા આતંકીઓ પૈકી એક આતંકી ઘાયલ છે જેની સારવાર ચાલી રહી છે.

તો બીજી બાજુ સેના દ્વારા સ્થાનિક આતંકીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ હિંસાનો રસ્તો છોડીને મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ જાય. મહત્વનું છે કે કાશ્મીરમાં અત્યારે યુવાનો વચ્ચે કટ્ટરપંથી અને આતંકી સંગઠનો સાથે જોડાવાનો ખતરનાક ટ્રેંડ ચાલી રહ્યો છે. આ લિસ્ટમાં એક નવું નામ સામે આવ્યું છે. જે યુવાનનું નામ સામે આવ્યું છે તે યુવાન 20 વર્ષનો માજીદ ખાન છે. માજિદ જિલ્લા સ્તર પર ફિટબોલ ખેલાડી રહી ચૂક્યો છે અને મૂળ તે અનંતનાગનો રહેવાસી છે. થોડા દિવસ પહેલા જ તેણે આતંકી સંગઠન સાથે જોડાવાની જાહેરાત કરી હતી. માજિદ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના કારણે તેનો પરિવાર, સગાવ્હાલાં અને તેના મિત્રો સહિતના તમામ લોકો અચંબિત થઈ ગયા છે.

મહત્વનું છે કે આતંકી સંગઠનો સ્થાનિક યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે. ધર્મની અંધશ્રદ્ધા અને ખોટી લાલચો તેમજ તેમનું બ્રેઈન વોશ કરીને પોતાના આતંકી સંગઠનમાં જોડાવા અને ભારત વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે યુવાનોને ટાર્ગેટ કરવાનું એક મોટુ ષડયંત્ર આતંકી સંગઠનો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]