જમ્મુ/શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના કુપવાડા જિલ્લામાં પાકિસ્તાન સાથેની સરહદ પર ગઈ કાલે રાતે બે ઘટના બની હતી. એક ઘટનામાં, સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરનાર પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એ પાંચેય આતંકી લશ્કર-એ-તોઈબા સંગઠનના હતા. બીજી ઘટનામાં, જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સના સૈનિકોએ કરેલા ઉશ્કેરણી-વિહોણા ગોળીબારનો ભારતના સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન રેન્જર્સના સૈનિકોએ ગઈકાલે રાતે લગભગ 8 વાગ્યાના સુમારે કુપવાડા જિલ્લાના માછીલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ પર અચાનક ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. ગઈ મોડી રાતે આ ઘટના વિશે છેલ્લો અહેવાલ મળ્યો હતો ત્યારે બંને બાજુએ ગોળીબાર ચાલુ હતો. પાકિસ્તાનીઓના ગોળીબારમાં સીમા સુરક્ષા દળના એક જવાનને ઈજા થઈ હોવાનું મનાય છે, પરંતુ એ વિશે સત્તાવાર સમર્થન મળ્યું નથી.
માછીલ સેક્ટરમાં જ સુરક્ષા દળોએ હાથ ધરેલા ઓપરેશનમાં લશ્કર-એ-તોઈબાના પાંચ ત્રાસવાદી ઠાર મરાયા હતા. તે પાંચ આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે સુરક્ષા દળોએ એમને પડકાર્યા હતા. આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ વળતો ગોળીબાર કરીને પાંચેયને ખતમ કર્યા હતા. મૃત આતંકીઓ પાસેથી AK શ્રેણીની પાંચ રાઈફલ તથા બીજી વાંધાજનક સામગ્રીઓ મળી આવી હતી.
કુપવાડા પોલીસને ગુપ્તચરો તરફથી બાતમી મળી હતી કે સરહદ પારથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના છે. તેથી કુપવાડા પોલીસ અને ભારતીય સેનાના જવાનોએ ત્વરિત સંયુક્ત કામગીરી બજાવીને ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો.