રાંચી – ઝારખંડમાં 81-બેઠકો માટેની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે. પાંચમા અને આખરી ચરણ માટેનું મતદાન આજે સાંજે સમાપ્ત થયું છે. આશરે 71 ટકા મતદાન થયું હોવાનો અહેવાલ છે.
આજે 16 મતવિસ્તારોમાં મતદાન યોજવામાં આવ્યું હતું.
મતગણતરી અને પરિણામ માટે 23 ડિસેંબરનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.
રાજ્ય વિધાનસભાની હાલની મુદત આવતી પાંચ જાન્યુઆરીએ પૂરી થાય છે.
આજે મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ અમુક અગ્રગણ્ય એજન્સીઓએ ચૂંટણીના પરિણામ વિશે પોતપોતાના એક્ઝિટ પોલ્સ ઘોષિત કર્યા છે.
એક્ઝિટ પોલ્સ અનુસાર, કોંગ્રેસ-ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)-આરજેડીના બનેલા મહાગઠબંધનને 31-39 બેઠક મળી શકે છે જ્યારે ભાજપને ભાગે 28-36 સીટ આવી શકે છે.
ભાજપ સત્તા ગુમાવશે; એક વધુ રાજ્ય ગુમાવશે
‘પોલ ડાયરી’ના સર્વેક્ષણ અનુસાર સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનો પરાજય થશે. ભાજપે 2014માં યોજાઈ ગયેલી ચૂંટણીમાં 37 બેઠક જીતી હતી. પોલ ડાયરીના તારણ અનુસાર આ વખતે ભાજપને 22-30 બેઠક મળશે. ઝારખંડ મુક્તિ મોરચાને 2014માં 19 સીટ મળી હતી, પણ આ વખતે એ 21-28 સીટ જીતે એવી શક્યતા છે. 2014માં 7 સીટ જીતનાર કોંગ્રેસ પાર્ટી આ વખતે 7-12 સીટ જીતે એવી શક્યતા છે. જેવીએમપીએ ગયા વખતે 8 સીટ જીતી હતી, આ વખતે 7-9 સીટ જીતશે, એજેએસયૂ પાર્ટીએ ગયા વખતે પાંચ સીટ જીતી હતી, પણ આ વખતે એને 1-4 મળી શકે છે, આરજેડી પાર્ટીને 2014માં એકેય સીટ મળી નહોતી, પણ આ વખતે એ એકાદ-બે સીટ જીતે એવી ધારણા છે. અન્ય પાર્ટીઓના ઉમેદવારો કે અપક્ષ ઉમેદવારો 2-5 સીટ જીતી શકે છે, જેમણે 2014માં પાંચ સીટ મેળવી હતી.
એવી જ રીતે, ડેમોક્રેસી ટાઈમ્સ એક્ઝિટ પોલનો પણ વરતારો છે કે મુખ્ય પ્રધાન રઘુબર દાસની આગેવાની હેઠળની ભાજપ સરકાર એની સત્તા ગુમાવશે.
સ્પિક મિડિયા નેટવર્કની આગાહી છે કે રાજ્યમાં મહાગઠબંધનની સરકાર આવશે. મહાગઠબંધન એટલે કોંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચા અને રાષ્ટ્રીય જનતા દળ.
સામે છેડે ભારતીય જનતા પાર્ટીની સહયોગી પાર્ટી છે – જેવીએમ અને એજેએસયૂ.
IANS-CVoter-ABP એક્ઝિટ પોલ અનુસાર, ઝારખંડમાં અસ્પષ્ટ, ત્રિશંકુ પરિણામ આવશે. શાસક ભાજપને 28-36 બેઠક મળી શકે છે. મહાગઠબંધનને 31-39 બેઠક પર સફળતા મળી શકે છે.
રિપબ્લિક ટીવી ચેનલ માટેનો જન કી બાત એક્ઝિટ પોલ આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે.