જેટનો ઝટકો અનુભવતો પર્યટન ઉદ્યોગ, મોટાપ્રમાણમાં બૂકિંગ રદ

નવી દિલ્હી- દેશની પ્રમુખ એરલાઈન્સ કંપની જેટ એરવેઝનું કામકાજ બંધ થયાં બાદ વિમાન ભાડામાં સરેરાશ 25 ટકાનો વધારો થઈ ગયો છે. વિમાન ભાડામાં આ પ્રકારના ઓચિંતા વધારાથી પર્યટન ઉદ્યોગ ચિંતિત થઈ ગયો છે. ખાસ કરીને આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને બીજી તરફ વેકેશનનો સમય પણ શરુ થઈ ગયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આ વિમાન ભાડામાં વધારાને કારણે મોટા પ્રમાણમાં હોટલ બુકિંગ રદ થવાનું સંકટ વધી ગયું છે.

પર્યટન ઉદ્યોગના બિજનેસ સાથે જોડાયેલી એક વેબસાઈટના જણાવ્યા અનુસાર જેટ એરવેઝની ઉડાન બંધ થયાં બાદ મુંબઈ-હૈદરાબાદ, મુંબઈ-દિલ્હી અને દિલ્હી-મુંબઈ વચ્ચે વિમાન ભાડામાં 62 ટકા, 52 ટકા અને 49 ટકા સુધીનો વધારો થયો છે. બેંગ્લુરુ દિલ્હી સેક્ટરના વિમાન ભાડા પર સૌથી ઓછી 10 ટકા અસર પડી છે.

જેટ એરવેઝ બંધ થવાથી હવાઈ મુસાફરી કરનારા લાખો ભારતીયો પ્રભાવીત થયાં છે. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સુનીલ કુમારે કહ્યું કે, આ સંકટ એવા સમયે આવ્યું છે જ્યારે ટૂરિઝમ સેક્ટરની પીક સિઝન શરુ થનાર છે. જેટ પર આવેલા સંકટ બાદ એવું લાગે છે કે, ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી પર સમગ્ર વર્ષ દરમિયાન સંકટ ઘેરાયેલું રહેશે.  જેટ એરવેઝ બંધ થવાથી ઘરેલુ પર્યટકોની સાથે આંતરરાષ્ટ્રીય પર્યટકો પરણ પ્રભાવિત થશે. દેશ વિદેશમાં આ એરલાઈન્સમાં યાત્રા કરનારા લાખો પેસેન્જર્સની મુશ્કેલી વધી ગઈ છે.

જેટ એરવેઝ વિદેશમાં પણ તેમની ફ્લાઈટ સર્વિસ આપતી હતી. આર્થિક સંકટને કારણે જેટ એરવેઝના કર્મચારીઓની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે, કેટલાક કર્મચારીઓ તેમનું ઘર વેચવા મજબૂર થઈ ગયા છે તો, કેટલાક તેમની સોસાયટીમાં ડિફોલ્ટર બનીને જીવી રહ્યાં છે.

Easemyyrip.comના નિશાંત પિટ્ટીના જણાવ્યા અનુસાર વિમાન ભાડામાં ઉતાર-ચડાવ પર જેટ સંકટની સામન્ય અસર પડશે. જેટ સંકટ બાદ વિમાન ભાડા મોંઘા થતાં હવે રેલવે બુકિંગમાં વધારો થશે.

છેલ્લા ઘણા મહિનાઓથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલી જેટ એરવેઝે અંતે ગત બુધવારે તેમની અંતિમ ઉડાન ભરી હતી. જેટ એરવેઝનું કામકાજ બંધ થવાથી કંપનીના 22 હજાર કર્મચારીઓની નોકરી પર સંકટ ઉભુ થયું છે.