જેટ એરવેઝનું ટૂંક સમયમાં કરાશે લિલામ: 4 સંભવિત બિડર ફાઈનલ

નવી દિલ્હીઃ સંકટગ્રસ્ત જેટ એરવેઝને નાણાં ધીરનાર, જે એક વર્ષ કરતાં પણ વધુ સમયથી ગ્રાઉન્ડેડ છે, તેમણે ચાર સંભવિત બિડર્સને અંતિમ રૂપ આપ્યું છે. આ બિડર્સ આગામી મહિના સુધી નાદાર એરલાઇનમાં હિસ્સો હાંસલ કરવા માટે બીડ પ્રસ્તાવ રજૂ કરે એવી એવી શક્યતા છે. રિઝોલ્યુશન પ્રોફેશનલ આશિષ છાવછરિયાએ આ સૂઇટર્સની સાથે નોન-કિસ્ક્લોઝર એગ્રીમેન્ટ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે અને તેમને એરલાઇનના નાણાકીય ડેટાની આપ-લે કરી છે.

આ બિડર્સે રસ દાખવ્યો

જેટ એરવેઝમાં જે બિડર્સે રસ દાખવ્યો છે, એમાં છે યુકેના કલૈક કેપિટલ પાર્ટનર્સ અને દુબઈના એક વ્યક્તિ મુરારીલાલ જાલન, અબુ ધાબી સ્થિત ઇમ્પિરિયલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એલએલસી (ICIL), હરિયાણા સ્થિત ફ્લાઇટ સિમ્યુલેશન ટેક્નિક સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ (FSTCPL) અને મુંબઈ સ્થિત બિગ ચાર્ટર પ્રા. લિમિટેડ (BCPL), કેનેડાસ્થિત આંતરપ્રૂનર શિવકુમાર રસિયા અને કોલકાતાની અલ્ફા એરવેઝ.

પ્રાપ્ત માહિતી અનુસાર બીડ લગાવનારી કંપનીઓને બીડ લગાવતાં પહેલાં જેટ એરવેઝની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. બીડ લગાવનારા પાસે ડ્યુ ડિલિજન્સની પ્રક્રિયાને અંતે પોતાની બીજ રજૂ નહીં કરવાનો પણ વિકલ્પ છે.

બિડર શોધવાનો ચોથો પ્રયાસ

રિઝોલ્યુશન પ્રોફેશનલ્સ દ્વારા જેટ એરવેઝને પુનર્જીવિત કરવા માટે એક બિડર શોધવાનો આ ચોથો પ્રયાસ છે. આ પહેલાં દક્ષિણ અમેરિકાનું સિનર્જી ગ્રુપ અને નવી દિલ્હી સ્થિત પ્રુડેન્ટ ARCને એક સંકલ્પ યોજના રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો, પણ એ સમયમર્યાદામાં રજૂ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા.

25 માર્ચથી દેશભરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન થયું હતું. જેથી કેટલીય એરલાઇન્સ પાસે કર્મચારીઓને પગાર આપવા નાણાં નથી, જેને કારણે કર્મચારીઓએ નોકરીઓ ગુમાવવી પડી હતી. જોકે જેટ એરવેઝને તો પહેલાં જ નાદાર જાહેર કરવામાં આવી છે. જોકે આ સંકટથી બહાર નીકળવા માટે જેટ એરવેઝની કોર્પોરેટ ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયાની સમયમર્યાદાને બે મહિના 21 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે.

બેન્કો અને લેણદારોનાં રૂ. 8000 કરોડનાં લેણાં

રોકડ કટોકટીમાં ફસાયેલી જેટ એરવેઝે એપ્રિલ, 2019માં જ એનાં બધાં વિમાનોની ઉડાન બંધ કરી દીધી હતી. એરલાઇન કંપની પર વિવિધ બેન્કો અને લેણદારોના આશરે રૂ. 8000 કરોડનાં લેણાં છે. આમાં સરકારી બેન્કોને મોટો હિસ્સો છે. NCLTની મુંબઈ બેન્કે 20 જૂન, 2019એ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં લેણદારોનું એક જૂથ બનાવ્યું હતું અને અરજીનૌ સ્વીકાર કરતાં સુનાવણી શરૂ કરી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]