ગુરુગ્રામ (હરિયાણા): પોતાની બહેન જેસિકા લાલનાં હત્યારાને સજા કરાવવા લાંબી કાનૂની લડાઈ લડનાર સબરીના લાલનું લાંબી બીમારીને કારણે ગઈ કાલે અવસાન થયું છે એમ તેનાં ભાઈએ જણાવ્યું છે. સબરીના લગભગ 50 વર્ષનાં હતાં. એ લાંબા વખતથી લિવર સિરોસિસ બીમારીથી પીડાતાં હતાં. એમનાં ભાઈ રણજીત લાલે કહ્યું કે સબરીનાની તબિયત વારંવાર બગડતીહતી. એમને અનેકવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. ગઈ કાલે એમની તબિયત લથડતાં અમે એમને તરત જ ગુરુગ્રામની પારસ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, પરંતુ સાંજે એમણે આખરી શ્વાસ લીધો હતો.
જેસિકા લાલની 1999માં નવી દિલ્હીની એક પૉશ રેસ્ટોરન્ટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધાર્થ વશિષ્ઠ ઉર્ફે મનુ શર્માએ જેસિકાની હત્યા કરી હતી. સબરીનાએ કાનૂની જંગ ખેલીને મનુને આજીવન કેદની સજા કરાવી હતી, પરંતુ 2018માં સબરીનાએ જ જેલના સત્તાવાળાઓને લેખિતમાં જણાવ્યું હતું કે મનુ શર્માને જેલમાંથી વહેલો છોડી મૂકાય એની સામે પોતાને કોઈ વાંધો નથી. પોતે મનુ શર્માને માફ કરી દીધો છે એમ તેણે કહ્યું હતું. ત્યારબાદ મનુ શર્માને ગયા વર્ષે છોડી મૂકવામાં આવ્યો હતો. મનુ શર્મા હરિયાણાના એક કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ પ્રધાનનો પુત્ર છે.