નવી દિલ્હી: કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હવે JEE અને NEETની પરીક્ષાને લઈને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે નવી જાહેરાત કરી છે. હાલપૂરતી આ બંને પરીક્ષાઓને મુલતવી રાખવામા આવી છે. શુક્રવારે સાંજે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ બંને પરીક્ષાઓ સપ્ટેમ્બરમાં આયોજિત કરવામા આવશે. JEE મુખ્ય પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. સાથે જ NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાશે. JEE એડવાન્સની પરીક્ષા 27 સપ્ટેમ્બર 2020ના રોજ યોજાશે.
વિદ્યાર્થીઓ અને વાલીઓની વિનંતિને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ પરીક્ષાઓની સ્થિતિની સમીક્ષા માટે એક વિશેષજ્ઞોની કમિટિની રચના કરી હતી. તેમણે આજે મંત્રાલયને તેમનો રિપોર્ટ સોંપી દીધો હતો.
મહત્વનું છે કે, આ પહેલા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે નેશનલ ટેસ્ટ અભ્યાસ(NTA) એપનું હિન્દી વર્ઝન લોન્ચ કર્યું હતું. આ એપની મદદથી વિદ્યાર્થીઓ NEE, JEE, JEE Main પરીક્ષાની તૈયારી ઘરે બેઠા જ કરી શકે છે. ખાનગી કોચિંગ ન મેળવી શકતા વિદ્યાર્થીઓની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત આ એપનું અંગ્રેજી વર્ઝન એક મહિના પહેલા જ લોન્ચ કરવામાં આવ્યું હતું.