જયપુર – જાણીતા કવિ અને ગીતકાર જાવેદ અખ્તરે રાજપૂતોનું અપમાન કર્યું છે એવો નવી હિન્દી ફિલ્મ પદ્માવતી સામે વિરોધની આગેવાની લેનાર રાજપૂત કરણી સેનાએ આક્ષેપ કર્યો છે. આ જૂથનું કહેવું છે કે રાજસ્થાનમાં અખ્તરના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. અખ્તર સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસને જણાવવામાં આવ્યું છે કે કોમી લાગણીને ભડકાવવા બદલ તે અખ્તર સામે કેસ નોંધે.
અખ્તરની એ કમેન્ટ સામે રાજપૂત કરણી સેનાએ વાંધો ઉઠાવ્યો છે જે અખ્તરે ફિલ્મના ટેકામાં કરી છે. અખ્તરે લખનઉ સાહિત્ય મહોત્સવ કાર્યક્રમ વખતે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં પદ્માવતી ફિલ્મની તરફેણ કરી હતી અને એવો સવાલ કર્યો હતો કે રાજપૂતોએ ૨૦૦ વર્ષ સુધી બ્રિટિશોની સેવા શા માટે બજાવી હતી અને શા માટે તેઓ એમની સામે ક્યારેય લડ્યા નહોતા?
કરણી સેનાનું કહેવું છે કે અખ્તરની આ કમેન્ટે રાજપૂતોના ઈતિહાસની મજાક ઉડાવી છે. અભિનેત્રી દીપિકા પદુકોણનું નાક કાપવાની અગાઉ ધમકી આપનાર મહિપાલ સિંહ મકરાનાએ કહ્યું છે કે હવે પછી અખ્તરને રાજસ્થાનમાં આવવા દેવામાં નહીં આવે.
અખ્તર સામેની ફરિયાદમાં જણાવાયું છે કે એમણે એક ચોક્કસ સમુદાયનું ઈરાદાપૂર્વક અપમાન કર્યું છે. એમની સામે એવી કલમો હેઠળ કેસ નોંધવો જોઈએ જેમાં વધુમાં વધુ પાંચ વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ છે.