નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝાટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને ફંડિંગ કરનારી જાપાનની કંપની જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સીએ બુલેટ ટ્રેન નેટવર્ક માટે ફંડિંગને અસ્થાયી રુપે અટકાવી દીધું છે. જાપાનની કંપનીએ મોદી સરકારને જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટ પર આગળ વધતા પહેલા મોદી સરકારે દેશમાં ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં લેવી જરુરી છે.એક લાખ કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થનારી બુલેટ ટ્રેન યોજના ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો પાસેથી જમીન સંપાદનના મુદ્દે વિવાદોમાં સપડાઈ છે. આ વિવાદને ધ્યાનમાં રાખીને જ્યાં કેન્દ્ર સરકારે એક વિશેષ સમિતિની રચના કરી છે. તો જાપાનની કંપનીએ અસ્થાયી રુપે ફંડ અટકાવ્યું છે અને કહ્યું છે કે મોદી સરકારે પહેલા ખેડૂતોની સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વર્ષ 2022 સુધીમાં પુરુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે જાપાનની કંપની દ્વારા યોજના માટે ફંડિંગ રોકવાને કારણે બુલેટ ટ્રેન યોજના પુરી કરવાનું લક્ષ્ય આગળ વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે 508 કિલોમીટરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં લગભગ 110 કિલોમીટરનો વિસ્તાર મહારાષ્ટ્રના પાલઘરથી પસાર થાય છે. જેમાં ખેડૂતો પાસેથી જમીન અધિગ્રહણ માટે કેન્દ્ર સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ તરફ ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારને 85 હેક્ટર જમીન સંપાદન આઠ જિલ્લાઓના આશરે 5 હજાર ખેડૂત પરિવારો પાસેથી કરવાનું છે.