ચાર્જશીટેડ નેતાઓના ચૂંટણી લડવા પર રોક નહીં: સુપ્રીમ કોર્ટ

0
1692

નવી દિલ્હી- અપરાધી છબી ધરાવનારા નેતાઓના રાજકીય ભવિષ્ય અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, ચાર્જશીટના આધારે જાહેર પ્રતિનિધિઓ પર કાર્યવાહી કરી શકાય નહીં. તેમના ચૂંટણી લડવા પર રોક લગાવવા માટે ચાર્જશીટને પર્યાપ્ત આધાર ગણી શકાય નહીં. જેથી કહી શકાય કે, સુપ્રીમ કોર્ટે અપરાધી છબી ધરાવતા નેતાઓના ચૂંટણી લડવા પર રોક લગાવવાથી ઈનકાર કર્યો છે.સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું કે, દેશની સામાન્ય જનતાને તેના નેતાઓ અંગે પુરી માહિતી હોય તે જરુરી છે. વધુમાં કોર્ટે જણાવ્યું કે, દરેક નેતાઓએ તેમના અપરાધિક રેકોર્ડની જાણકારી ચૂંટણી પહેલાં ચૂંટણી પંચને આપવી જોઈએ. આ અંગે સંસદમાં કાયદો બનવો જોઈએ તેવો કોર્ટે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત દરેક રાજકીય પાર્ટીઓએ તેમના ઉમેદવારની માહિતી તેમની વેબસાઈટ પર અપડેટ કરવાની રહેશે. આ સિવાય દરેક ઉમેદવારે ચૂંટણી લડવા અગાઉ ત્રણ વખત પ્રિન્ટ મીડિયા અને એક વખત ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પોતાના રેકોર્ડની વિસ્તૃત માહિતી આપવી પડશે.

આ અરજીની સુનાવણી પાંચ જજોની ખંડપીઠ દ્વારા કરવામાં આવી રહી હતી. આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આર.એફ. નરિમન, જસ્ટિસ એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા શામેલ હતા. આપને જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે તેનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.