મુંબઈઃ દુનિયાભરમાં હજારો લોકોના મૃત્યુ નિપજાવી, લાખો લોકોને બીમાર પાડી દઈ હાહાકાર મચાવી દેનાર ખતરનાક એવા કોરોના વાઈરસ સામેની લડાઈમાં આજે ભારતવાસીઓ પણ વધારે મક્કમ બની ગયા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને આજે સવારે 7 વાગ્યાથી સ્વૈચ્છિક, સ્વયંભૂ ‘જનતા કર્ફ્યૂ’નો અમલ શરૂ કરી દીધો છે.
કોરોના વાઈરસ વધારે ન ફેલાય એટલા માટે પીએમ મોદીએ ‘જનતા કર્ફ્યૂ’ પાળવાની અપીલ કરી છે. દેશની 1 અબજ 30 કરોડ જેટલી જનતા જો એક દિવસ માટે ‘હોમ ક્વોરન્ટીન’ નિયમ અપનાવશે તો આ વાયરસનો ફેલાવો નબળો પડી જશે એવી ખાતરી સાથે વડા પ્રધાને જનતા કર્ફ્યૂની હાકલ કરી છે.
સમગ્ર દેશમાં લોકો આજે સવારે 7 વાગ્યાથી ઘરમાં જ રહેશે અને રાતે 9 વાગ્યા સુધી ‘જનતા કર્ફ્યૂ’નું પાલન કરશે.
ઘણા વિસ્તારોમાં આજે સવારે બરાબર 7 વાગ્યે પ્રશાસન તરફથી સાયરન વગાડવામાં આવી હતી એ સાથે જ ‘જનતા કર્ફ્યૂ’ નિયમોનું પાલન શરૂ થઈ ગયું હતું.
દેશભરમાં આજે સરકારો દ્વારા ઘોષિત આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ દુકાનો, વેપાર-ધંધા, ખાની કંપનીઓની ઓફિસો, જાહેર સ્થળો બંધ રાખવામાં આવ્યા છે. ઓટોરિક્ષા, ટેક્સી, બસ સેવા પણ બંધ રાખવામાં આવી છે તેથી રસ્તાઓ સૂમસામ છે. દૂધ અને વીજળી પૂરવઠા વિતરણ, રેલવે, સફાઈ, દવા-ઔષધો, હોસ્પિટલ્સ, અગ્નિશામક દળ વગેરે જેવી સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે ગણવામાં આવી છે અને એને જનતા કર્ફ્યૂમાંથી બાકાત રખાઈ છે. મુંબઈમાં લોકલ ટ્રેનમાં સફર કરવાની સામાન્ય જનતાને મનાઈ ફરમાવી દેવામાં આવી છે, માત્ર પોલીસ જવાનો, પોલીસ તંત્ર, સફાઈતંત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ, તબીબી ઈમર્જન્સીવાળા લોકોને જ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવામાં આવશે. તમામ બોર્ડિંગ સ્ટેશનો પર પ્રત્યેક પ્રવાસીનું ઓળખપત્ર ચકાસવામાં આવી રહ્યું છે. વિમાન સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
ભારતીય રેલવેએ જાહેર કર્યું જ હતું કે જનતા કર્ફ્યૂ નિમિત્તે શનિવારની મધરાતથી રવિવારે રાતે 10 વાગ્યા સુધી દેશના કોઈ પણ રેલવે સ્ટેશનેથી પેસેન્જર ટ્રેન ઉપાડવામાં નહીં આવે.
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસને કારણે ચાર જણના મોત નિપજ્યાં છે. કન્ફર્મ્ડ કેસોની સંખ્યા 300ના આંકને વટાવી ચૂકી છે. અત્યાર સુધીમાં 313 કેસ નોંધાયા છે.
પીએમ મોદીએ આજે વહેલી સવારે ટ્વીટ કર્યું હતું કે, હવે પછી થોડી જ મિનિટોમાં ‘જનતા કર્ફ્યૂ’ શરૂ થશે. ચાલો, આપણે પણ આ કર્ફ્યૂનો હિસ્સો બનીએ. એને કારણે #COVID19 દૂષણ સામેની લડાઈમાં મોટું બળ ઉમેરાશે. આપણે આજે જે પગલાં લઈશું એ આવનારા સમયમાં આપણને મદદરૂપ થશે.
વડા પ્રધાન દેશવાસીઓને બીજી પણ એક અપીલ કરી છે કે આજે સાંજે બરાબર પાંચ વાગ્યે લોકોએ પોતપોતાના ઘરની બાલ્કની, દરવાજા પર કે બારીમાં ઊભીને તાળી પાડીને, થાળી વગાડીને કોરોના વાઈરસ સામેના જંગમાં પોતાના જાનને જોખમમાં મૂકીને પણ લોકોની સારવાર-સેવા કરતા તબીબી વ્યવસાય તથા અન્ય કર્મચારીઓ, સ્વયંસેવકોનો આભાર માનવો. મોદીએ કહ્યું કે સાંજે પાંચ વાગ્યાથી આ ધન્યવાદ શરૂ કરી પાંચને પાંચ મિનિટ સુધી વ્યક્ત કરવો.