લકવા પીડિત મહિલાએ મોદીને કહ્યું કે, તમે ભગવાન છો અને…

નવી દિલ્હીઃ જનઔષધિ કેન્દ્રોના લાભાર્થીઓ સાથેના સંવાદ દરમ્યાન વડાપ્રધાન મોદી ભાવુક થયા હતા. કાર્યક્રમમાં દેહરાદુનની લકવાથી પીડિત દીપા શાહ નામની એક મહિલા સાથે પીએમ મોદીએ સંવાદ કર્યો. આ દરમ્યાન દીપાએ જણાવ્યું કે જનઔષધિ દવાઓને કારણે તેની આર્થિક સ્થિતિ ઘણી સુધરી રહી છે અને ખર્ચ પણ ઘણો ઓછો થઇ રહ્યો છે.

મહિલાએ કહ્યું કે, મેં ઈશ્વરને તો જોયા નથી પરંતુ મેં તમને જોયા છે, આ સાંભળીને વડાપ્રધાન મોદી ભાવુક થયા હતા. દીપા શાહ નામની આ મહિલાએ કહ્યું કે, વર્ષ 2011 માં મને લકવા થયો હતો, હું બોલી શકતી નહોતી, સારવાર ચાલતી હતી તેની દવાઓ ખૂબ મોંઘી હતી અને તેના ખર્ચના કારણે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ હતું. બાદમાં મેં જન ઔષધી કેન્દ્રમાંથી દવા લેવાનું શરુ કર્યું. મહિલાએ કહ્યું કે, જે દવાઓ પહેલા 5,000 રુપિયાની આવતી હતી તે હવે માત્ર 1500 રુપિયામાં મળી રહે છે. બચેલા પૈસાથી ઘર ચલાવું છું ફળ-ફળાદી ખાઈને તંદુરસ્તીના માર્ગે આગળ વધી રહી છું. મેં ક્યારેય ઈશ્વરને તો જોયા નથી પરંતું ઈશ્વરના સ્વરુપમાં મોદીજી આપને મેં જોયા છે, આટલું બોલતા મહિલા રડી પડી અને વડાપ્રધાન પણ ભાવુક બની ગયા.

બાદમાં વડાપ્રધાને દીપાને કહ્યું કે, તમે બિમારીને હરાવી છે. આપની હિંમત સૌથી મોટો ભગવાન છે. તેના કારણે તમે સમસ્યામાંથી બહાર આવી શક્યા. બાદમાં મોદીજીએ જેનેરિક દવાઓના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, આ જ દવાઓથી દીપા સાજા થયા થયા છે, આ પૂરાવો છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપ્લબ્ધ કોઈ દવાથી આ દવાઓ કંઈ ઓછી અસરકારક નથી.