નવી દિલ્હી: જમ્મુ કશ્મીરના કુલગામમાં ચેકિંગ દરમ્યાન રવિવારે એક ગાડીમાંથી હિઝબુલ મુઝાહીદીનના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, જે સમયે એ આતંકીઓની ધરપકડ કરવામાં આવી એ સમયે તેમની સાથે ગાડીમાં જમ્મુ કશ્મીર પોલીસના એક ડીએસપી દેવેન્દ્ર સિંહ પણ હતાં. સુરક્ષાદળોએ આતંકીઓની સાથે જ ડીએસપીની પણ ધરપકડ કરી છે.
DSP દેવેન્દ્ર સિંહની ધરપકડ બાદ જમ્મુ કશ્મીર પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પોલીસે ડીએસપી દેવેન્દ્ર સિંહ સાથે પણ આતંકીઓ જેવો જ વ્યવહાર થશે, તેની ખાતરી આપી હતી. રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે જણાવ્યું કે અમે ડીએસપી દેવેન્દ્ર સિંહની સંડોવણીને જઘન્ય અપરાધ માની છીએ અને તેમની સામે એવી જ કાર્યવાહી કરવામાં આવશે જેવી આતંકીઓ સાથે કરવામાં આવે છે.
અધિકારીએ જણાવ્યું કે વર્તમાન સમયમાં એરપોર્ટ પર તૈનાત ડીએસપી દેવેન્દ્ર સિંહની નવીદ અને અલતાફ નામના આતંકીઓ સાથે શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમના મુજબ ડીએસપી પર આરોપ છે કે તે આતંકીઓને શોપિયા વિસ્તારથી સલામત રીતે કશ્મીરની બહાર લઇ જઇ રહ્યા હતા. તેઓની જે ગાડીમાંથી ધરપકડ કરવામાં આવી હતી, એમાંથી પાંચ ગ્રેનેડ અને પાછળથી તેમના ઘરની તપાસમાં બે એકે 47 રાઇફલ મળી આવી હતી. ડીએસપી રાજ્ય પોલીસમાં વરિષ્ઠ પદો પર કામ કરી ચૂક્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ ડીએસપીની આતંકીઓ સાથે સંડોવણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર સિંહને ગયા વર્ષે 15 ઓગસ્ટના દિવસે જ રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેવેન્દ્ર સિંહ અને નવીદ બાબૂની ધરપકડ અને પૂછપરછ પછી પોલીસે શ્રીનગર અને દક્ષિણ કશ્મીરમાં અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા અને મોટાપ્રમાણમાં હથિયારો અને દારુગોળો જપ્ત કર્યા.