લીંબુ કૌભાંડમાં જેલર સાહેબ સસ્પેન્ડ

ચંડીગઢઃ એક તરફ લીંબુની કિંમતો આસમાનને આંબી રહી છે, ત્યારે પંજાબમાં લીંબુ કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે કપૂરથલા મોડર્ન જેલના સુપરિન્ટેન્ડેન્ટ ગુરનામ લાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેલપ્રધાન હરજોત બેસના આદેશ પર જેલના સુપરિન્ટેન્ડેન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પૂરો મામલો 50 કિલો લીંબુની ખરીદી સાથે સંકળાયેલો છે.

જેલ સુપરિન્ટેન્ડેન્ટે 50 કિલો લીંબુ રાશનની ખરીદીમાં બતાવ્યા હતા, ત્યારે બજારમાં લીંબુની કિંમત કિલોદીઠ રૂ. 200થી વધુ હતી. જોકે એ લીંબુ એ કેદીઓના નસીબમાં નહોતા.એની પોલ ત્યારે ખૂલી, જ્યારે તપાસ માટે પેનલ પહોંચી. એ વખતે બધા કેદીઓએ કહ્યું હતું કે તેમને લીંબુ મળી નથી રહ્યા. લીંબુની ખરીદી 15થી 30 એપ્રિલની વચ્ચે દેખાડવામાં આવી હતી, ત્યારે દેશમાં લીંબુની કિંમતો આસમાને પહોંચી હતી. આ મામલે તપાસમાં ઉચાપત અને ગેરવહીવટ સહિત અનેક ગેરરીતિઓ પણ સામે આવી હતી. અહીં સુધી લોટમાં ઉચાપત પણ સામે આવી હતી.  ADGP, જેલ પોલીસ વીરેન્દ્ર કુમારે કહ્યું હતું કે જેલના કેદીઓને ઉચિત આહાર ઉપલબ્ધ કરાવવામાં ગરબડના આરોપમાં જેલ સુપરિન્ટેન્ડેન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જેમાં તપાસમાં એ માલૂમ પડ્યું હતું કે કપૂરથલા જેલના કેદીઓને નિયત માપદંડો અનુસાર ઉચિત આહાર નહોતો આપવામાં આવતો. રેકોર્ડ મુજબ કેદીઓ માટે લીંબુ મગાવવામાં આવ્યા હતા, પણ તેમને એ આપવામાં નહોતા આવ્યા.

જેલ સુપરિન્ટેન્ડેન્ટે 50 કિલો લીંબુની ખરીદી દેખાડી હતી, પણ કેદીઓનો દાવો હતો કે રસોઈમાં લીંબુનો ઉપયોગ થયો જ નહોતો. આ લીંબુ ત્યારે ખરીદવામાં આવ્યા હતા, જ્યારે લીંબુની કિંમત કિલોદીઠ રૂ. 200થી વધુ હતી. કેટલીક જગ્યાએ તો બજારોથી લીંબુની ચોરીના સમાચાર હતા.