પટણાઃ ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા જગત પ્રકાશ નડ્ડા (જે.પી.નડ્ડા) આજે પાર્ટીના અધ્યક્ષ પદે બિરાજમાન થશે. નડ્ડા આજે વિધિવત રીતે અમિત શાહની જગ્યા લેશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળશે. જેપી નડ્ડા બિહારના છે અને તેમનો જન્મ પટણાના ભિખના વિસ્તારમાં થયો હતો અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં તેમણે પોતાનો અભ્યાસ કર્યો હતો.
ભાજપે સંગઠન ચૂંટણીની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે કોઈ અન્ય ઉમેદવાર ન હોવાના કારણે જે.પી.નડ્ડાને જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવશે.
જે.પી.નડ્ડાના સમર્થનમાં 21 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ નામાંકન પત્ર ચૂંટણી અધિકારી રાધા મોહન સિંહ સામે રજૂ કરશે. જે રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ નડ્ડાના સમર્થનમાં નામાંકન રજૂ કરશે તેમાં દિલ્હી, એમપી, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હિમાચલ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. નડ્ડાના પદ સંભાળતાની સાથે જ અમિત શાહનો અધ્યક્ષ તરીકેનો સાડા પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ જશે.
ભાજપની કમાન સંભાળતાની સાથે જ જે.પી.નડ્ડા સામે દિલ્હી અને બિહાર વિધાનસભા ચૂંટણી જેવા મોટા પડકારો હશે. નડ્ડાને રાજ્ય અને કેન્દ્રીય સંગઠનમાં કામ કરવાનો અનુભવ છે.