શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ): ભારતીય અવકાશ અને સંશોધન સંસ્થા (ઈસરો)એ આજે સવારે 9 વાગ્યે શ્રીહરિકોટાસ્થિત સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્રના સ્પેસપોર્ટ ખાતેથી દેશના સૌથી લાંબા રોકેટ LVM3ની મદદથી એક સાથે 36 ઈન્ટરનેટ સેટેલાઈટ્સને અંતરિક્ષમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. LVM3 ભારતનું સૌથી વજનદાર (643 ટન) રોકેટ છે. તેણે બ્રિટનની વનવેબ ગ્રુપ કંપનીના 36 સેટેલાઈટ્સને અંતરિક્ષમાં સ્થિર મૂકવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ઈસરોની કમર્શિયલ કંપની ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડનું આ બીજું સફળ ડેડિકેટેડ મિશન હતું. તેણે વનવેબ ગ્રુપની કંપની નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ સાથે કુલ 72 સેટેલાઈટસને લૉ-અર્થ ઓર્બિટ્સમાં મૂકી આપવા માટેનો કરાર કર્યો છે. બાકીના સેટેલાઈટ્સ આગામી દિવસોમાં લોન્ચ કરાશે.
આ સેટેલાઈટ્સને પૃથ્વીની સપાટીથી આશરે 1,200 કિ.મી. ઊંચાઈ પર સ્થિર મૂકવામાં આવ્યા છે. LVM3 રોકેટ 43.5 મીટર લાંબું હતું.
