શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ) – ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે નવો ઈતિહાસ સર્જ્યો છે. અહીંના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના સ્પેસપોર્ટ ખાતેથી આજે સવારે 9.28 વાગ્યે એક પોલાર સેટેલાઈટ લોન્ચ વેહિકલ (PSLV) રોકેટ દ્વારા તે 31 સેટેલાઈટ્સને અવકાશમાં લોન્ચ કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફળતાપૂર્વક ઉપગ્રહ લોન્ચ કરવા બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. ઈસરોના એએસ કિરણ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા પીએસએલવી લોન્ચ દરમિયાન અમને સમસ્યા નડી હતી, આ સમસ્યાને યોગ્ય રીતે સુધારવામાં આવી રહી છે. હું ખુશી સાથે કહી રહ્યો છું કે દેશ માટે આ નવા વર્ષન ભેટ છે. આ મિશનમાં બધુ આયોજન મુજબ થયું છે અને અમે તમામ 30 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મુકવા સક્ષમ છીએ.ભારતની આ ઉપલબ્ધિથી પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી કહેવાયું છે કે ભારત જે ઉપગ્રહોને લોન્ચ કર્યા છે, તેનાથી સાબિત થાય છે કે તે બેવડી નીતિ અપનાવી રહ્યું છે. આ ઉપગ્રહોનો ઉપયોગ નાગરિક અને સૈન્યના ઉદેશ્યથી કરી શકે છે.
સ્પેસપોર્ટ સતીશ ધવન સ્પેસ સેન્ટર બંગાળના અખાતની નજીક ચેન્નાઈથી ઈશાન ખૂણે લગભગ 80 કિ.મી. દૂર આવેલું છે.
ચાર-સ્ટેજ ધરાવતું પીએસએલવી-સી40 રોકેટ 44.4 મીટર લાંબું અને આશરે 320 ટન વજનનું છે.
31 સેટેલાઈટ્સનું કુલ મળીને વજન 1,323 કિલોગ્રામ છે.
આ 31 કૃત્રિમ ઉપગ્રહોમાં ત્રણ ભારતીય છે અને બાકીના 28 છ દેશોના છે – કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અમેરિકા.
ભારતીય સેટેલાઈટ્સ 710 કિલોગ્રામ વજનના અને હવામાન અને પૃથ્વી પરના વાતાવરણના અભ્યાસ વિશેના છે. તે કાર્ટોસેટ-2 સિરીઝના હવામાન ઉપગ્રહ છે.
ત્રણ ભારતીય ઉપગ્રહોમાં એક 100 કિ.ગ્રા. વજનનો માઈક્રો સેટેલાઈટ અને ત્રીજો 10 કિલોગ્રામનો નેનો સેટેલાઈટ પણ છે. માઈક્રો સેટેલાઈટ અવકાશમાં સ્થાપિત થનાર ભારતનો 100મો સેટેલાઈટ હશે.
30 સેટેલાઈટ્સને સૂર્યની 505 કિલોમીટરની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવશે. માઈક્રો સેટેલાઈટને સૂર્યની 359 કિ.મી. કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
આ સંપૂર્ણ લોન્ચ કાર્યક્રમ પૂરો થતાં બે કલાક અને 21 સેકંડનો સમય લાગશે.
ઈસરો આ પૂર્વ એક સાથે 104 સેટેલાઈટનું પ્રક્ષેપણ કરીને વર્લ્ડ રેકોર્ડ કરી ચૂકી છે.