આંતરરાષ્ટ્રીય સર્વેમાં વડાપ્રધાન મોદીને ત્રીજું સ્થાન, ટ્રમ્પ અને શીને પાછળ છોડ્યાં

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસમાં વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ભાગ લેતા પહેલા જ તેમની લોકપ્રિયતાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન મોદીને એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણમાં દુનિયાના ટોચના નેતાઓમાં શામેલ કરવામાં આવ્યા છે. ગૈલપ ઈંટરનેશનલ દ્વારા 50 દેશોમાં લોકોને પુછાયેલા અલગ અલગ સવાલોના આધારે પોતાના વાર્ષિક સર્વેક્ષણમાં વડાપ્રધાન મોદીને વિશ્વ નેતાઓના સર્વેક્ષણમાં ત્રીજા નંબર પર રાખવામાં આવ્યા છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પ્રથમ અને જર્મનીના ચાંસલર આંગેલા મર્કલને આ સર્વેક્ષણમાં બિજા સ્થાન પર રાખવામાં આવ્યા છે. મેક્રોને 21, મર્કેલને 20 અને વડાપ્રધાન મોદીને 8 અંક આપવામાં આવ્યા છે. ગેલપ અનુસાર આ સર્વેક્ષણ માટે 53 હજાર 769 લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રત્યેક દેશથી પ્રતિનિધિત્વ તરીકે 1000 લોકોને વન ટુ વન અથવા તો ફોનના માધ્યમથી સવાલો પુછીને આ સર્વે કરવામાં આવ્યો. સર્વે માટે ફીલ્ડ વર્ક ઓક્ટોબરથી ડિસેમ્બર 2017માં કરવામાં આવ્યું હતું.

આ સર્વેક્ષણ એવા સમયે સામે આવ્યું છે જે સમયે વડાપ્રધાન મોદી 22 જાન્યુઆરીએ દાવોસ બેઠકમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેંડ જઈ રહ્યા છે. આને જોતા સર્વેક્ષણના નિષ્કર્ષોને વડાપ્રધાન મોદી અને ભારત માટે ઉત્સાહજનક કહી શકાય.