નવી દિલ્હી- પટિયાલા હાઉસ કોર્ટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરીઝમ કોર્પોરેશન (IRCTC) હોટલ કેસમાં CBIની ચાર્જશીટ પર નોંધ લેતાં RJDના વડા લાલૂપ્રસાદ યાદવને સમન ઈશ્યૂ કર્યું છે. આ મામલે કોર્ટે લાલૂપ્રસાદ યાદવને 31 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે.IRCTC કેસમાં CBI દ્વારા ગત 16 એપ્રિલના રોજ પૂર્વ રેલવેપ્રધાન લાલૂપ્રસાદ યાદવ સહિત અન્ય લોકો સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં લાલૂપ્રસાદના પત્ની અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ સહિત 14 લોકો સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો સમગ્ર મામલો IRCTCની હોટલની દેખરેખનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવા સાથે જોડાયેલો છે.
સમગ્ર ઘટનાક્રમ એવો છે કે, ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરીઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા રાંચી અને પુરીમાં ચલાવવામાં આવતી બે હોટલ્સની દેખરેખનું કામ અચાનક જ સુજાતા હોટલ્સ નામની કંપનીને આપવામાં આવ્યું હતું. વિનય અને વિજય કોચર આ કંપનીના માલિક હતા અને સુજાતા હોટેલ્સે કોન્ટ્રાક્ટના બદલામાં કથિત રીતે લાલૂપ્રસાદ યાદવને પટનામાં ત્રણ એકર જમીન આપી હતી. જે બેનામી સંપત્તિ હતી. આ મામલે CBI દ્વારા અનેક વખત રાબડી દેવી અને તેજસ્વી યાદવની પૂછપરછ કરવામાં આવી છે.