નવી દિલ્હીઃ બહુચર્ચિત INX મિડિયા લાંચ કેસમાં આરોપી જાહેર કરાયેલા ભૂતપૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા પી. ચિદમ્બરમને દિલ્હીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજે તિહાર જેલમાં મોકલી દીધા છે. ચિદમ્બરમને 19 સપ્ટેંબર સુધી, એટલે કે 14 દિવસ સુધી અદાલતી કસ્ટડીમાં રાખવાનો કોર્ટે આદેશ આપ્યો છે.
સ્પેશિયલ સીબીઆઈ જજ અજકુમાર કુહાડે ચિદમ્બરમને એમની દવાઓ જેલમાં લઈ જવાની છૂટ આપી છે.
ચિદમ્બરમને આપવામાં આવેલા Z-કક્ષાની સુરક્ષા કવચને ધ્યાનમાં રાખીને કોર્ટે આદેશ આપ્યો છે કે ચિદમ્બરમને જેલમાં અલગ કોટડીમાં રાખવામાં આવે.
સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી છે કે જેલમાં ચિદમ્બરમ માટે પર્યાપ્ત સુરક્ષા રાખવામાં આવશે.
મની લોન્ડરિંગ કેસમાં શરણે આવવાની ચિદમ્બરમે કરેલી વિનંતીને ધ્યાનમાં લઈને કોર્ટે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને નોટિસ મોકલી છે.
73 વર્ષીય ચિદમ્બરમને આ કેસમાં આપવામાં આવેલી બે-દિવસીય સીબીઆઈ કસ્ટડીની મુદત આજે પૂરી થયા બાદ એમને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
ચિદમ્બરમની ગઈ 21 ઓગસ્ટની રાતે નાટ્યાત્મક રીતે એમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.
આઈએનએક્સ મીડિયા કેસમાં પકડાયેલા કોંગ્રેસી નેતા પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટથી આંશિક રાહત ન મળી. તેમણે ઈડી સાથે જોડાયેલા મામલે દિલ્હી હાઈકોર્ટથી આગોતરા જામીન ન મળ્યા, કોર્ટના આ નિર્ણયને તેમણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે અરજી ફગાવતા કહ્યું કે મની ટ્રેલને ઉજાગર કરવી જરુરી છે. ઈડીના દાવાથી સહમત છે કે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ કરવી જરુરી છે. જામીન આપવાથી તપાસ પર તેની અસર પડી શકે છે.
જો કે અન્ય એક કેસમાં ચિદમ્બરમ અને એમના પુત્ર કાર્તિને દિલ્હીની અદાલતે આગોતરા જામીન આપતા એ કેસમાં પિતા-પુત્રને રાહત મળી છે.
જસ્ટિસ આર. ભાનુમતી અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની બેંચે કહ્યું કે, આર્થિક અપરાધ સાથે અલગ રીતે કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આ દેશની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરે છે. આગોતરા જામીન કોઈને તેના અધિકાર તરીકે ન આપવામાં આવી શકે. આ વાત મામલાઓ પર નિર્ભર કરે છે. આ કેસમાં આ યોગ્ય નથી. એજન્સીને તપાસ માટે પૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ. આ સ્થિતીમાં જામીન આપવાથી તપાસ પર તેનો પ્રભાવ પડી શકે છે.
અમે ઈડીની કેસ ડાયરી જોઈ છે અને મની ટ્રેલને ઉજાગરવું જરુરી છે. ઈડીના દાવાથી સહમત છે કે મામલાના આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ જરુરી છે. ઈડીએ સીલબંધ કવરમાં કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. પરંતુ અમે તેને જોયા નથી. આ સીવાય બેંચે ત્રણ તારીખો પર ઈડી સાથે થયેલી પૂછપરછની વિગતો આપવા સાથે જોડાયેલી અરજી પણ રદ્દ કરી દીધી છે.
હાઈકોર્ટે 20 ઓગસ્ટના રોજ અરજી રદ્દ કરતા કહ્યું હતું કે, શરુઆતી રીતે જોઈએ તો ચિદમ્બરમ પર ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગ મામલામાં કિગપિન લાગે છે. તેઓ વર્તમાન સાંસદ છે, માત્ર એટલા માટે આગોતરા જામીન ન આપી શકાય. પ્રભાવી તપાસ માટે ધરપકડમાં લઈને પૂછપરછ જરુરી છે. આ મામલે ધરપકડથી રાહત આપવાથી સમાજમાં ખોટો સંદેશ જશે.
તો એરસેલ મેક્સિસ કેસમાં ચિદમ્બરમ અને તેમના દિકરા કાર્તિ ચિદમ્બરમને અગ્રિમ જમાનત મળી ગઈ છે. સીબીઆઈની ચિદમ્બરમ અને કાર્તિને પુરાવાઓ અને સબૂતો સાથે છેડછાડ ન કરવા અને તપાસમાં સહયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે.
એરસેલ-મેક્સિસ ડીલ કેસમાં ઈડી તરફથી ચી.ચિદમ્બરમની ધરપકડની મંજૂરી માંગવામાં આવી હતી. આ કેસમાં સોમવારના રોજ પણ દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી, આ દરમિયાન ઈડીએ ચિદમ્બરમને આગોતરા જામીન આપવાનો વિરોધ કર્યો હતો.