ચંદ્રયાન2નું મૂનલેન્ડિંગઃ અમદાવાદના ગુજરાત સાયન્સ સિટીમાં લાઈવ સ્ક્રીનિંગની વ્યવસ્થા

અમદાવાદ – ભારત દેશનો દરેક નાગરિક તથા વિદેશમાં વસતા પ્રત્યેક ભારતીય જે ઘટનાની ઉત્કંઠાથી રાહ જુએ છે તે ઘડી આવશે 7 સપ્ટેંબર, શનિવારે વહેલી સવારે દોઢથી અઢી વાગ્યાની વચ્ચે, જ્યારે ભારતના મહત્ત્વાકાંક્ષી એવા ચંદ્રયાન-2 મિશનનું લેન્ડર ‘વિક્રમ’ ચંદ્રની ધરતી પર ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગ કરશે. એ ઘટનાને હવે અમુક જ કલાકોની વાર છે. ભારતનું આ દ્વિતીય ચંદ્ર મિશન ચંદ્ર ગ્રહ પર એવા ભાગમાં – દક્ષિણી ધ્રુવ પર, પ્રકાશ પાડશે જ્યાં હજી સુધી દુનિયાના કોઈ દેશનું અવકાશયાન જઈ શક્યું નથી. સમગ્ર વિશ્વનાં દેશોની નજર ચંદ્રયાન-2નાં સફળ મૂનલેન્ડિંગ પર મંડાયેલી છે.

ચંદ્રયાન-2નું ‘વિક્રમ’ લેન્ડર શનિવાર, 7 સપ્ટેંબરે વહેલી સવારે દોઢથી અઢી વાગ્યાની વચ્ચેના સમયે ચંદ્રની દક્ષિણ બાજુની ધરતી પર ઉતરાણ કરશે. તેના ઉતર્યા બાદ સવારે 5.30 અને 6.30 વાગ્યાની વચ્ચે રોવર ‘પ્રજ્ઞાન’ ચંદ્રયાન-2માંથી બહાર આવશે.

આ ઐતિહાસિક ઘટનાને લાઈવ જોવા માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) તથા ગુજરાત સાયન્સ સિટીએ અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ માટેનો સમય છે શુક્રવાર, 6 સપ્ટેંબરે સાંજે 6.00થી શનિવારે સવારે 6.30 સુધી.

આ કાર્યક્રમમાં અવકાશ વિજ્ઞાનીઓ સાથે વિચારવિમર્શ કરી શકાશે, ચંદ્ર અંગેની ફિલ્મોની રજૂઆત કરાશે, વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓનું આયોજન કરાયું છે – જેમ કે ચંદ્ર મિશન પર નિબંધ, કવિતા, પઝલ, ક્વિઝ. તે ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન ભારતની સફળતાની ઉજવણી કરવા સંગીત-ખુરશીનું પણ આયોજન પણ કરાશે અને સાંસ્કૃતિક પ્રસ્તુતિકરણ પણ કરવામાં આવશે.

ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ

ડો. સી.એમ. નાગરાની, ડો. પી.એસ. ઠાકર, ડો. ડી.બી. દવે, ડો. હર્ષદ ચૌહાણ, ડો. જે.પી. જોશી અને ડો. નરોત્તમ સાહુ સહિત ભૂતપૂર્વ અવકાશવિજ્ઞાનીઓ સાથે ભારતના ઐતિહાસિક ચંદ્રમિશન અંગે અલગ અલગ સત્રમાં વાર્તાલાપનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનું આયોજન સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં કરવામાં આવનાર છે અને તેમાં તમામ લોકો પ્રવેશ કરી શકે છે. કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. સૌને આ કાર્યક્રમમાં હાજર રહેવાનું અને ભારતની સફળતાની ગાથામાં સહભાગી થવાનું સહૃદય આમંત્રણ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]