નવી દિલ્હીઃ કોરોના રોગચાળામાં સામાન્ય જનતા પર મોંઘવારીનો બેવડો માર પડી રહ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ રાંધણ ગેસની કિંતમાં વધારો થયો છે. બે મહિનામાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આશરે રૂ. આઠનો વધારો થયો છે, જ્યારે LPG ગેસ સિલિન્ડર રૂ. 125 મોંઘો થયો છે. દેશના પાટનગર દિલ્હીમાં સબસિડીવાળા રાધણગેસની કિંમત પહેલી માર્ચે ફરી રૂ. 25નો વધારો થયો છે. જેથી 14.2 કિલોગ્રામવાળા LPG ગેસ સિલિન્ડરની કિંમત વધીને રૂ. 794થી વધીને રૂ. 819 થઈ ગયા છે. આ પહેલાં 25 ફેબ્રુઆરીએ LPG ગેસની કિંમતમાં રૂ. 25નો વધારો કરવામાં આવ્યો હતો.
કોલકાતામાં સબસિડી અને કોમર્શિયલ- બંને LPG ગેસ સિલિન્ડરની વધી ગઈ છે. અહીં સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 25 વધીને હવે એની કિંમત રૂ. 845 થઈ છે, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 19નો વધારો કરવામાં આવી છે.
દિલ્હીમાં LPG ગેસની કિંમત રૂ. 594થી વધીને 644 થઈ ગઈ હતી. એ પછી એક જાન્યુઆરીએ. 644થી વધીને રૂ. 694 થઈ હતી. ચોથી ફેબ્રુઆરીએ રૂ. 694થી વધીને રૂ. 719 અને એ પઠી 15 ફેબ્રુઆરીએ રૂ. 719થી વધીને રૂ. 769 થઈ હતી. એ પછી 25 ફેબ્રુઆરીએ LPG ગેસની કિંમત રૂ. 25 વધારવામાં આવ્યા છે, જેથી રૂ. 769થી વધીને 794 થયા છે. અને પહેલી માર્ચે રૂ. 25 LPG ગેસની કિંમત વધીને હવે હાલમાં રૂ. 819 થયા છે. સરકાર દ્વારા 12 સિલિન્ડર પ્રત્યેક ઘરમાં સબસિડી આપવામાં આવે છે.