નવી દિલ્હીઃ દેશમાં એક તરફ કોરોનાવાઈરસ રોગચાળાએ વ્યાપક રીતે ફેલાવો કર્યો છે ત્યારે ડેન્ગ્યૂ બીમારીના કેસ પણ દેશમાં વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 11 રાજ્યોને વાઈરલ ડેન્ગ્યૂ તાવના સીરોટાઈપ-2 પ્રકારના ચેપને રોકવા માટેના પગલાં લેવાની સૂચના આપી છે. ભારતીય તબીબી વિજ્ઞાનીઓ ડેન્ગ્યૂ તાવને રોકવા માટે વિશ્વની સૌપ્રથમ DNA રસી તૈયાર કરી રહ્યાં છે.
અમદાવાદસ્થિત ઝાઈડસ કેડિલાએ કોવિડ-19 ચેપનો ફેલાવો રોકવા માટે જે ડીએનએ રસી બનાવી છે તેના જ આધારે એ જ ફોર્મ્યુલા સાથે દેશના વિજ્ઞાનીઓ હવે ડેન્ગ્યૂ તાવ વિરોધી રસી બનાવવામાં વ્યસ્ત છે. કોરોના-પ્રતિરોધકની એકથી વધારે રસીઓ બનાવી લેવામાં આવી છે અને દેશભરમાં કરોડો લોકોને એનાં ડોઝ આપવામાં આવ્યા છે.