આજથી શરુ થઈ રહી છે રામાયણ એક્સપ્રેસ, શ્રીલંકા સુધી જશે

નવી દિલ્હી- ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા રામાયણ સાથે જોડાયેલા મહત્વના સ્થળોએથી પસાર થનારી સ્પેશિયલ ટ્રેન રામાયણ એક્સપ્રેસ આજથી શરુ થશે. આ ટ્રેન દિલ્હીના સફદરજંગ સ્ટેશનેથી રવાના થશે.આ સ્પેશિયલ ટ્રેનમાં 16 દિવસનું પેકેજ રહેશે જેમાં ભારતમાં ભગવાન રામ સાથે જોડાયેલા દરેક મહત્વના સ્થળો ઉપરાંત શ્રીલંકાના 4 સ્થળોની યાત્રા પણ કરાવવામાં આવશે. દિલ્હીથી રવાના થયા બાદ ટ્રેનનો પહેલો પડાવ અયોધ્યા રહેશે.

ત્યારબાદ આ ટ્રેન હનુમાન ગઢી. રામકોટ અને કનકભવન મંદિર જશે. એ ઉપરાંત રામાયણ સર્કિટના મહત્વપૂર્ણ સ્થળો જેવા કે, નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, શ્રુંગપુર, ચિત્રકૂટ, નાસિક, હમ્પી અને રામેશ્વરમ જેવા સ્થળોની યાત્રા કરાવવામાં આવશે. રામાયણ એક્સપ્રેસ તામિલનાડુના રામેશ્વરમ ખાતે 16 દિવસમાં પોતાની યાત્રા પૂર્ણ કરશે.

IRCTCના જણાવ્યા અનુસાર ટૂર પેકેજમાં ધર્મશાળાઓમાં ભોજન, આવાસ, દર્શનીય સ્થળોની મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવશે અને IRCTCના ટૂર મેનેજર પણ યાત્રીઓ સાથે રહેશે. રામાયણ એક્સપ્રેસમાં 800 યાત્રીઓની ક્ષમતા હશે અને પ્રતિ વ્યક્તિ કિંમત 15 હજાર 120 રુપિયા હશે.

શ્રીલંકાની મુસાફરી માટે અલગથી ભાડું લેવામાં આવશે. શ્રીલંકા જવા માંગતા યાત્રીઓ માટે ચેન્નાઇથી કોલંબોની ફ્લાઇટની વ્યવસ્થા હશે. 5 રાત અને 6 દિવસના શ્રીલંકાના પ્રવાસની કિંમત પ્રતિ વ્યક્તિ 36 હજાર 970 રુપિયા હશે. આ ટૂર પેકેજમાં કેન્ડી, નુવારા એલિયા, કોલંબો અને નેગોંબો જેવા સ્થળોને સમાવેશ કરવામાં આવશે.