PNBને ચુનો લગાડનારો નીરવ મોદી વિદેશી બેન્કોના રુપિયા ચુકવવા તૈયાર

નવી દિલ્હી- પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી હજી સુધી ભારતીય એજન્સીની પકડમાં નથી આવ્યો. નીરવ મોદી ભારતની બેન્કોના હજારો કરોડ રુપિયા ચુકવ્યા વિના ફરાર થઈ ગયો છે અને આ નાણાં પરત આપવા પણ નીરવ મોદી તૈયાર નથી. પરંતુ ભાગેડુ નીરવ મોદી વિદેશી બેન્કો પાસેથી લીધેલી લોન ચુકવવા તૈયાર થઈ ગયો છે.અમેરિકાની HSBC અને ઈઝરાયલની ડિસ્કાઉન્ટ બેન્કે નીરવ મોદીની કંપનીઓ પાસેથી પોતાની રકમ વસુલી લીધી છે. બન્ને બેન્કોને ન્યૂયોર્ક કોર્ટમાંથી રકમ વસુલવાનો આદેશ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક તરફ ભારતની PNB હજી સુધી પોતાની રકમ વસુલી શકી નથી.

ન્યુયોર્કની બેન્કે નીરવ મોદીની ત્રણ કંપનીઓને 1 કરોડ 20 લાખ ડોલરની લોન વર્ષ 2013માં આપી હતી. જ્યારે HSBCએ 1 કરોડ 60 લાખ ડોલરની લોન આપી હતી. આ બન્ને લોન નીરવ મોદીની કુલ સંપત્તિથી ઓછી છે. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી પર અંદાજે 13 હજાર કરોડના કૌભાંડનો આરોપ છે.

આ કૌભાંડમાં તેની સાથે મેહુલ ચોક્સીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. હાલ આ બન્ને દેશ છોડીને ફરાર થઈ ગયા છે.