1 એપ્રિલથી પેટ્રોલ-ડીઝલ ચોખ્ખા અને શુધ્ધ મળશે કેમ કે….

નવી દિલ્હીઃ દેશમાં હવે વિશ્વના સૌથી સ્વચ્છ પેટ્રોલ અને ડીઝલ મળશે. એક એપ્રિલથી દેશમાં આ મોટું પરિવર્તન થશે. ભારત યુરો-4 ગ્રેડના ઇંધણથી હવે યુરો-6 ગ્રેડનું ઇંધણમાં તબદિલ થવા જઈ રહ્યું છે. ભારતે આ સિદ્ધિ માત્ર ત્રણ વર્ષમાં હાંસલ કરી છે. વિશ્વમાં એવી કોઈ મોટું અર્થતંત્ર નથી, જ્યાં આટલા ઓછા સમયમાં આવું ઉમદા કાર્ય કર્યું હોય. ભારત આ રીતે વિશ્વના ચુનંદા દેશોની યાદીમા સામેલ થઈ રહ્યું છે. જ્યાં ક્લીન પેટ્રોલ-ડીઝલ મળતું હોય, એવો દાવો આઇઓસીના એક વરિષ્ઠ અધિકારીએ કર્યો હતો.

દેશમાં ક્લીન પેટ્રોલ અને ડીઝલના પ્રયોગથી વાહનોમાંથી થતા પ્રદૂષણમાં ખાસ્સો ઘટાડો થશે. આઇઓસીના અધ્યક્ષ સંજીવ સિંહાએ કહ્યું હતું કે કંપનીએ વર્ષ 2019ના અંત સુધીમાં  BS-6ને અનુરૂપ પેટ્રોલ અને ડીઝલનું પ્રોડક્શન શરૂ કરી દીધું હતું. હવે પેટ્રોલિયમ કંપનીઓએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના છેલ્લા ટીપાને BS-6 સ્ટેન્ડર્ડવાળા ફ્યુઅલમાં બદલાવ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.

એક એપ્રિલથી BS-6 પેટ્રોલ-ડીઝલનો પુરવઠો પૂરા પાડવા માટે કામ કરી રહ્યા છીએ. કંપનીની મોટા ભાગની રિફાઇનરીઝએ BS-6 ફ્યુઅલનો પુરવઠો શરૂ કરી દીધો છે અને આ ફ્યુઅલ સ્ટોરેજ ડેપોમાં મોકલાઈ રહ્યું છે, એવું સિંહે કહ્યું હતું. આવનારાં કેટલાંક સપ્તાહોમાં માત્ર સ્વચ્છ પેટ્રોલ-ડીઝલનું વેચાણ ઉપલબ્ધ થશે.

નવા ઉત્સર્જનના માપદંડોની ખાસિયત

આ નવા ઉત્સર્જન માપદંડની ખાસિયત એ છે કે આ માપદંડવાળા પેટ્રોલ-ડીઝલમાં સલ્ફરની માત્રા માત્ર 10 પીપીએસ હોય છે. BS-6 માપદંડવાળા ઇંધણને સીએનજીની જેમ  સ્વચ્છ માનવામાં આવશે. સિંહના જણાવ્યા અનુસાર આ માપદંડવાળા ફ્યુઅલથી BS-6 વાહનોનું નાઇટ્રોજન ઓકસાઇડ ઉત્સર્જન પેટ્રોલ કારોમાં 25 ટકા અને ડીઝલ કારોમાં 70 ટકા સુધી ઘટી જશે.

ભારતે વર્ષ 2010માં BS-3 ના માપદંડોને લાગુ કર્યા હતા. એના સાત વર્ષ પછી દેશે BS-4 ઉત્સર્જન માપદંડ અપનાવ્યા. BS-4ના ત્રણ વર્ષ પછી હવે દેશમાં  BS-6ના ઉત્સર્જનના માપદંડને અપનાવવા સજ્જ બની રહ્યો છે. સરકારી કંપનીઓ આ નવા ઉત્સર્જન માપદંડોને અનુકૂળ ફ્યુઅલ તૈયાર કરવા માટે આશરે રૂ. 35,000 કરોડનું મૂડીરોકાણ કર્યુ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]