અમિત શાહ સાથે મુલાકાત સારી રહી એવું કેજરીવાલ કહે છે

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે બપોરે ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી. મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, શાહીનબાગ મુદ્દે અમિત શાહ સાથે કોઈ વાત થઈ નથી. ઉલ્લેખનીય છે કે, 15 ડિસેમ્બરથી દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર વિરુદ્ધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ અને અમિત શાહ વચ્ચે થયેલી બેઠકને એક ઔપચારિક મુલાકાત ગણાવાઈ રહી છે. બંન્ને વચ્ચે આ મુલાકાત નોર્થ બ્લોકમાં અમિત શાહના આવાસ પર થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મુલાકાત દરમિયાન દિલ્હીને લઈને ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ, પરંતુ આ મામલે મીડિયાને કોઈ જાણકારી આપવામાં આવી નથી.

ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાતને લઈને અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યું કે, ગૃહમંત્રી માનનીય અમિત શાહજી સાથે મુલાકાત થઈ. આ મુલાકાત ખૂબ સારી રહી. દિલ્હી સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ પર અમિત શાહ સાથે ચર્ચા થઈ. બંન્નેએ દિલ્હીના વિકાસ માટે એક સાથે મળીને કામ કરવાને લઈને સહમતિ વ્યક્ત કરી.

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે આજે પોતાના મંત્રી મંડળના સહયોગીઓ સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા, ઈમરાન હુસેન, ગોપાલ રાય, કૈલાશ ગહેલોત, અને રાજેન્દ્ર પાલ ગૌતમ સાથે એક મહત્વપૂર્ણ બેઠક બાદ અમિત શાહના નિવાસ સ્થાને જઈને તેમની સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલની અમિત શાહ સાથે આ પ્રથમ બેઠક થઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]