નવી દિલ્હીઃ મધ્ય પેસિફિક મહાસાગરમાં આવેલા માર્શલ ટાપુઓ અને પશ્ચિમી પેસિફિક મહાસાગરમાં આવેલા માઈક્રોનેશિયા ટાપુરાષ્ટ્રમાં વેચવામાં આવેલું કફ સિરપ દૂષિત હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યા બાદ ભારત સરકારે તે દવા ઉત્પાદક કંપનીનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. કેન્દ્રિય નાયબ આરોગ્ય પ્રધાન ભારતી પવારે આજે આમ સંસદમાં જણાવ્યું હતું.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યું છે કે પંજાબ રાજ્યની ક્યૂપી ફાર્માકેમ લિમિટેડ કંપનીએ બનાવેલા કફ સિરપના એક જૂથનાં નમૂનામાં ઝેરી તત્ત્વો ડાઈથાઈલીન ગ્લાઈકોલ અને ઈથીલીન ગ્લાઈકોલ અસ્વીકાર્ય પ્રમાણમાં હોવાનું માલૂમ પડ્યું છે, જે માનવીઓના શરીરમાં જાય તો જીવલેણ બની શકે છે. તેથી આ દવાના નમૂનાઓને હલકી ગુણવત્તાવાળા તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. દવા ઉત્પાદક કંપનીએ કહ્યું છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી.
જેની દવાઓ બાળકોનાં મરણના બનાવો સાથે સંકળાયેલી છે તે ક્યૂપી ફાર્માકેમ લિમિટેડ તથા અન્ય બે કંપની – મેઈડન ફાર્માસ્યુટિકલ્સ અને મેરિઅન બાયોટેક પ્રા.લિ.નું મેન્યૂફેક્ચરિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને તેની નિકાસ અટકાવી દેવામાં આવી છે. મેઈડન અને મેરિઅન કંપનીઓએ પણ કહ્યું છે કે તેમણે કંઈ ખોટું કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ભારતની એક દવા કંપનીએ બનાવેલું કફ સિરપ પીધા બાદ ગામ્બિયા અને ઉઝબેકિસ્તાન દેશોમાં 89 બાળકોનાં મરણ નિપજ્યા હતા. એને કારણે દુનિયાના દેશોને સસ્તા દરે દવાઓ પૂરી પાડીને ‘દુનિયાની ફાર્મસી’ તરીકેની ભારતની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે.