સિંધુ નદીનાં પાણીની-વહેંચણી મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે બેઠક

નવી દિલ્હીઃ સિંધુ નદીનાં પાણીની વહેંચણીના મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ચર્ચા યોજાવાની છે. બંને દેશના અધિકારીઓની આ માટેની બેઠક આજે અને આવતીકાલ, એમ બે દિવસ માટે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠક બંને દેશે સિંધુ જળ સમજૂતી અંતર્ગત રચેલા કાયમી સિંધુ પંચ (પરમેનન્ટ ઈન્ડસ કમિશન)ના કમિશનરો વચ્ચે યોજાય છે. સિંધુ જળ સમજૂતી અનુસાર, બંને દેશના કમિશનરોએ વર્ષમાં કમસે કમ એક વાર મળવાનું ફરજિયાત છે. ગયા વર્ષની બેઠક માર્ચમાં નવી દિલ્હીમાં નિર્ધારિત કરાઈ હતી, પરંતુ કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે રદ કરાઈ હતી. તે પહેલાં, 2018ની બેઠક ઓગસ્ટમાં લાહોરમાં યોજાઈ હતી. આ વખતની બેઠકમાં, ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની કમિશનર પ્રદીપકુમાર સક્સેના લેશે જ્યારે પાકિસ્તાન પ્રતિનિધિમંડળની આગેવાની સૈયદ મુહમ્મદ મેહર અલી શાહ લઈ રહ્યા છે.

સિંધુ જળ સમજૂતી

ભારત-પાકિસ્તાન અલગ થયા બાદ છ નદીઓની વહેંચણી કરવામાં આવી હતી. બિયાસ, રાવી અને સતલજ નદીઓનું નિયંત્રણ ભારતને મળ્યું અને સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીનું નિયંત્રણ પાકિસ્તાનને મળ્યું. પરંતુ, પાકિસ્તાનવાળી ત્રણેય નદીઓ ભારતમાં થઈને વહે છે. સિંધુ નદીનો આધાર (બેસિન) ભારતમાં છે. બંને દેશ વચ્ચે સિંધુ નદીના પાણીના વિતરણ માટે 1960માં વર્લ્ડ બેન્કની મધ્યસ્થતા સાથે સિંધુ જળ સમજૂતી કરવામાં આવી હતી, જેની પર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના પ્રમુખ અયૂબ ખાન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સમજૂતી અનુસાર, ભારતને સિંધુ નદીના માત્ર 20 ટકા પાણીનો જ ઉપયોગ કરવાનો અધિકાર મળ્યો છે. ભારતને ત્રણેય નદીના પાણીનો ઉપયોગ સિંચાઈ, પરિવહન અને વીજઉત્પાદન માટે કરવાની છૂટ મળી છે. પાકિસ્તાનને ડર છે કે ભારત સિંધુ જળ સમજૂતીને રદ કરી દઈ નદીનું પાણી રોકી દેશે તો પાકિસ્તાનમાં દુકાળ પડશે.