નવી દિલ્હીઃ જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં હાથ ધરવામાં આવેલી સીમાંકન પ્રક્રિયા અંગે કમેન્ટ કરનાર ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી) સંસ્થાની ભારત સરકારે ઝાટકણી કાઢી છે અને તેની કમેન્ટને બિનજરૂરી ગણાવી છે તેમજ એને જણાવી દીધું છે કે કોઈ એક દેશના ચડાવ્યે આવો કોમવાદી એજન્ડા હાથ ધરવાનું ટાળે. દેખીતી રીતે જ ભારતનો ઈશારો પાકિસ્તાન તરફ છે.
ઓઆઈસીએ જમ્મુ-કશ્મીર સીમાંકન અંગે બહાર પાડેલા નિવેદન અંગે પૂછાયેલા સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ કહ્યું કે ઓઆઈસીના સચિવાલયે ભારતની આંતરિક બાબતો અંગે ફરીવાર બિનજરૂરી કમેન્ટ કરી છે એનાથી અમને નિરાશા ઉપજી છે. ભૂતકાળમાં પણ ઓઆઈસીના સચિવાલયે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીર અંગે બિનજરૂરી કમેન્ટ કરી હતી અને તેને પણ ભારત સરકારે સ્પષ્ટપણે નકારી કાઢી હતી. સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે જમ્મુ અને કશ્મીર ભારતનો આંતરિક અને અવિભાજ્ય હિસ્સો છે.