કેન્સરથી લડવા માટે ભારતે તૈયાર કરી પહેલી સિરપ

નવી દિલ્હીઃ દેશના વૈજ્ઞાનિકોએ કેન્સર દર્દીઓ માટે પ્રથમ સિરપ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. તેનું નામ પ્રીવેલ રખાયું છે. શું આ કફ સિરપ બની જવાથી અત્યંત પીડાદાયક કીમોથેરેપીથી મુક્તિ મળી જશે? ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સર (ACTREC) એ કેન્સર દર્દીઓની સારવાર માટે ભારતની આ પહેલી સિરપ (ઓરલ સસ્પેન્શન) તૈયાર કરવામાં સફળતા મેળવી હતી.

કિમોથેરેપીમાં વપરાતી આ દવા (6- મર્કેપ્ટોપ્યુરિન કે પછી 6-MP)નું નામ પ્રીવેલ (PREVALL) રખાયું છે.  ACTRECના ડોક્ટરોએ બેંગલુરુની IDRS લેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી હતી. બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે. ખાસ કરીને બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબ્લેટ માટે આ અસરદાર વિકલ્પ બની શકે છે.

મર્કેપ્ટોપ્યુરિનનો ઉપયોગ તમામ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે. આ એન્ટિમેટાબોલાઈટ્સ નામની દવાઓના વર્ગ સાથે સંકળાયેલો છે જે કેન્સરના કોષોને વધતાં અટકાવે છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના ચાઈલ્ડ મેડિકલ ઓન્કોલોજી વિભાગના પ્રમુખ ડૉ. ગિરીશ ચિન્નાસ્વામીએ કહ્યું હતું કે પ્રીવેલનું લોન્ચિંગ એક મોટી પ્રગતિ છે જે બાળકો માટે વધુ અનુકૂળ રહેશે. હાલમાં બાળકોને ટેબલેટ આપવામાં આવતી હતી. પ્રીવેલને દવા નિયામક CDSCO દ્વારા માન્યતા મળી ગઇ છે.

કેન્સરમાં કિમોથેરેપી ફરજિયાત રીતે આપવામાં આવતી એક સારવાર છે જેમાં દવાઓની મદદથી કેન્સરના કોષોને ઝડપથી નષ્ટ કરાય છે. કિમોથેરેપીમાં સામાન્ય રીતે રેડિયોથેરેપી, સર્જરીથી ટ્યુમરને હટાવવા, લક્ષિત દવાઓ વગેરે સામેલ છે. કિમો મોટા ભાગે ઈન્ટ્રાવેનસ (નસના માધ્યમથી લોહીમાં) ઇન્જેક્શન તરીકે અને ક્યારેક-ક્યારેક મોં વાટે લેવાતી દવાઓ તરીકે અપાય છે. કેન્સરની સારવાર માટે પહેલીવાર 1940માં કીમોથેરેપી અપાઈ હતી. હવે નવી સીરપ મળી જતાં લોકોને નસ દ્વારા અપાતી કીમોથેરેપીથી મુક્તિ મળી શકે છે.