નવી દિલ્હી – ભારતની એક સબમરીન પોતાના જળવિસ્તારમાં ઘૂસી આવી હોવાના પાકિસ્તાન નૌકાદળના દાવાને ભારતે આજે ફગાવી દઈને એને ખોટો ગણાવ્યો છે અને આ દેશને ઉઘાડો પાડતાં કહ્યું છે કે પાકિસ્તાને જે વિડિયો રિલીઝ કર્યો છે એ વાસ્તવમાં 2016ની 18 નવેંબરનો જૂનો છે.
સરકારી સૂત્રોએ વધુમાં ઉમેર્યું છે કે ત્રાસવાદ વિરુદ્ધ ભારતે આદરેલા જંગમાંથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે પાકિસ્તાન યુદ્ધનો હાઉ ઊભો કરે છે.
અગાઉ, એએનઆઈ સમાચાર સંસ્થાએ પાકિસ્તાન નૌકાદળના એક પ્રવક્તાને ટાંકીને એમ જણાવ્યું હતું કે, પાકિસ્તાન નૌકાદળે એની કાબેલિયતનો ઉપયોગ કરીને ભારતીય સબમરીનને શોધી કાઢી હતી અને એને પાકિસ્તાનનાં જળવિસ્તારમાં પ્રવેશતી સફળતાપૂર્વક રોકી હતી. ભારત સાથે શાંતિ જાળવવાની પાકિસ્તાને નક્કી કરેલી નીતિને ધ્યાનમાં રાખીને ભારતીય સબમરીન પર હુમલો કરવામાં આવ્યો નહોતો.
બંને દેશના નૌકાદળ વચ્ચે છેલ્લે, 1971ના યુદ્ધ વખતે જંગ ખેલાયો હતો.
જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં ગઈ 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના 40 જવાન માર્યા ગયા બાદ તે આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે જવાબદારી લીધા બાદ ભારતીય હવાઈ દળે ગઈ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના અડ્ડાઓ પર સર્જિકલ હુમલા કરી એનો નાશ કર્યા બાદ બંને દેશ વચ્ચે તંગદિલી ઊભી થઈ છે.