દેશમાં થયેલી 2 મહત્વની ઘટનાઓ બાદ લોકસભા ચૂંટણી માટે ભાજપે બદલી રણનીતિ

નવી દિલ્હી- તાજેતરમાં જ દેશમાં થયેલી બે મોટી ઘટનાઓ બાદ હવે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ તેની રણનીતિમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. પુલવામામાં આતંકી હુમલો અને ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક આ બંન્ને ઘટનાઓ બાદ પાકિસ્તાન, આતંકવાદ પ્રત્યે લોકોનો ગુસ્સો અને સેના પ્રત્યે લોકાના સન્માનને જોતાં ભાજપે ચૂંટણીની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. સૂત્રો પ્રમાણે, હવે ભાજપના ચૂંટણી કેમ્પેઇનની થીમ વિકાસથી બદલીને ‘રાષ્ટ્રવાદ’ થવા જઇ રહી છે.

તમને જણાવી દઈએ કે, ચૂંટણી પ્રચારની આ નવી થીમ માટે ગીતકાર પ્રસૂન જોશી પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા પર નવા ગીત લખી રહ્યાં છે. આ ગીતોની થીમ લાઇન વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી પ્રચાર માટેના ગીતો જેવી જ હશે- ‘કસમ હૈ મુઝે ઇસ મિટ્ટી કી મૈં દેશ નહીં ઝુકને દુંગા’

પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક બાદ પીએમ મોદીએ રાજસ્થાનના ટોંકમાં આ ગીતની પંક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીના નામથી આ પ્રકારની ટ્વિટ ભાજપના ટ્વિટર એકાઉન્ટ પરથી પણ કરવામાં આવી રહી છે.

લોકસભાની ચૂંટણી માટે ભાજપની પ્રચાર ઝૂંબેશ ટૂંક સમયમાં જ શરૂ થશે અને પીએમ મોદી સહિત તેમના સ્ટાર પ્રચારક તમામ લોકસભા સીટો પર જઇને પ્રચાર કરશે. આ દરમિયાન પીએમ મોદી પોતે 100થી વધુ સભાઓ કરશે.  લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાતોની સાથે જ ભાજપ તેના પ્રચાર ઝૂંબેશની શરૂઆત કરશે.

પાર્ટીના 40 કેન્દ્રીય સ્ટાર પ્રચારકોની સાથે દરેક રાજ્યના પણ સ્ટાર પ્રચારક દેશની તમામ લોકસભા સીટો પર પ્રચાર કરશે. સૂત્રો પ્રમાણે, જે સીટો પર ભાજપના ઉમેદવાર હશે, તે હેઠળ આવતી વિધાનસભાની સીટ પર ભાજપના સ્ટાર પ્રચારક જશે. ઉપરાંત વિપક્ષની લોકસભા સીટ પર પણ ભાજપના સ્ટાર પ્રચારક ઓછામાં ઓછી એક સભા કરશે.

ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હશે, પરંતુ કેન્દ્રીય નેતાઓમાં સૌથી વધુ સભાઓ પાર્ટી અધ્યક્ષ અમિત શાહની હશે. ઉપરાંત રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, સ્મૃતિ ઇરાની, ઉમા ભારતી, યોગી આદિત્યનાથ પણ પ્રચારમાં ભાગ લેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]