ફ્રાન્સ પાસેથી 26 રાફેલ જેટ, 3 સ્કોર્પીન સબમરીનની ખરીદીને કેન્દ્ર સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ ફ્રાન્સ પાસેથી નૌકાદળની આવૃત્તિવાળા 26 રાફેલ જેટ વિમાન અને ત્રણ સ્કોર્પીન વર્ગની સબમરીન ખરીદવાના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે આજે મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી જ એમની બે-દિવસીય પેરિસ મુલાકાતનો આરંભ કર્યો છે.

જેટ અને સબમરીન ખરીદીના પ્રસ્તાવને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની આગેવાની હેઠળના ડીફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)એ મંજૂરી આપી છે. 26માંના ચાર રાફેલ-એમ જેટ વિમાન નૌકાદળની આવૃત્તિના તૂતક-આધારિત પ્લેટફોર્મવાળા હશે. એ તાલીમી વિમાન હશે. કોન્ટ્રાક્ટ પર સહીસિક્કા કરાયા બાદ ત્રણ વર્ષની અંદર વિમાનોની ડિલીવરી શરૂ થશે. સહીસિક્કાની પ્રક્રિયા પૂરી થતાં એકાદ વર્ષ લાગશે. ભારતીય નૌકાદળ તેના દેશી ટેક્નોલોજી નિર્મિત વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત માટે 26 ડેક-આધારિત જેટ વિમાનની ખરીદી કરવા માગે છે.

ભારતે આ પહેલાં દેશના હવાઈદળ માટે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ જેટ વિમાનની ખરીદી કરી છે.