દિલ્હીમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપઃ અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં હાલના દિવસોમાં યમુના ઉફાન પર છે. નદીમાં વધતા પાણીના સ્તરને જોતાં હવે રાજ્ય સરકાર એલર્ટ છે. હથિનીકુંડ બેરેજથી પાણી છોડવામાં આવ્યું છે. એને દિલ્હી પહોંચવામાં બહુ ઓછો સમય લાગ્યો છે.  યમુનામાં સતત જળસ્તર વધવાને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે, જેને કારણ આ વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ વિસ્તારોમાંથી હવે મોટા ભાગના લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ ચાલ્યાં ગયા છે. ગઈ કાલે યમુનાના જળસ્તરે 1978નો રેકોર્ડ તોડ્યો હતો. સવારે યમુનાનું જળસ્તર 212.70 મીટરની નજીક પહોંચ્યું હતું. રાજ્ય સરકારને ગંભીર સ્થિતિનો અંદાજ આવી ચૂક્યો છે અને મામલો કેન્દ્ર વિરુદ્ધ રાજ્ય થતો જઈ રહ્યો છે. મુખ્ય મંત્રી કેજરીવાલના ઘર સુધી પાણી પહોંચ્યા છે.

દિલ્હીની સાથે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં વરસાદને પગલે સ્થિતિ ગંભીર છે. યમુનાનાં પાણી ઘૂસવાથી દિલ્હીના ત્રણ વોટર પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા છે.

યમુના કિનારાના કેટલાય વિસ્તારો ઝડપથી ડૂબી રહ્યા છે. રિંગ રોડ સુધી પાણી આવી ગયાં છે. કાશ્મીરી ગેટ બસ અડ્ડા પર પણ જોખમ ઝળૂંબી રહ્યું છે. રાજઘાટ, ITO, જૂના કિલ્લાના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. લાલ કિલ્લાની પાછળના વિસ્તારમાં પાણી ઘૂસ્યાં છે. જૂની રેલવે સ્ટેશન તરફ જતા રસ્તાઓ જળમગ્ન છે. નીચલા વિસ્તારોમાં ઘરોમાં પાણીમાં ડૂબ્યાં છે.

વઝીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી ધૂસ્યાં પછી પ્લાન્ટને બંધ કરવામાં આવ્યો છે. 45 વર્ષ પછી યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે. પાણી રસ્તાઓની તરફ જતાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. યમુના બેન્ક મેટ્રો સ્ટેશનની બહાર પાણી ભરાવાથી સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. દિલ્હી વાહનવ્યવહાર માટે પોલીસે એડવાઇઝરી પણ જારી કરી છે.મુખ્ય પ્રધાન કેજરીવાલે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્કૂલો બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે દિલ્હીમાં વોટર પ્લાન્ટ બંધ કરવાથી લોકોને પીવાના પાણીની ખેંચ પડે એવી શક્યતા છે.