નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશની સલામતીની ચિંતાને ધ્યાનમાં લઈને વધારે 54 ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે આ જાહેરાત કરી છે.
આ સાથે ભારત સરકારે બ્લોક કરેલી ચાઈનીઝ એપ્સની સંખ્યા વધીને 321 થઈ છે. કેન્દ્ર સરકારે સૌથી પહેલાં 2020માં, ગલવાન વેલી સ્થળે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થયા બાદ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
સરકારનું કહેવું છે કે આ 54 એપ્સે અનેક ગંભીર પ્રકારની પરવાનગીઓ હાંસલ કરી લીધી હતી અને યૂઝરની સંવેદનશીલ માહિતી મેળવી લીધી હતી. આ માહિતીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને શત્રુ દેશમાં મૂકવામાં આવેલા સર્વર્સ પર ટ્રાન્સમિટ કરાઈ છે. અમને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી આ વિશે વિનંતી મળી હતી કે આ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે. પ્રતિબંધ મૂકાયેલી એપ્સમાં સ્વીટ સેલ્પી એચડી, સેલ્ફી કેમેરા, ઈક્વલાઈઝર એન્ડ બાસ બૂસ્ટર, ગરેના ફ્રી-ફાયર ઈલ્યૂનાઈટ, કેમકાર્ડ ફોર સેલ્સ ફોર્સ, ઓમ્યોજી અરીના, એપલોક, ડ્યૂલ સ્પેસ લાઈટનો સમાવેશ થાય છે.