પ.બંગાળનાં કેટલાંક ગામોમાં 18-ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, જાણો…

કોલકાતાઃ દેશમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઊજવવામાં આવે છે, પણ શું તમને ખબર છે કે બંગલાદેશની સરહદે આવેલા પશ્ચિમ બંગાળનાં કેટલાંક ગામો 18 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઊજવે છે. આ લિસ્ટમાં બંગાળનાં કેટલાંક ગામો સામેલ છે.પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાની નાદિયાના કેટલાક વિસ્તારોમાં છે, જે સ્વતંત્રતા દરમ્યાન વિવાદમાં હતાં, જેના પરિણામ સ્વરૂપએ દેશના બાકીના હિસ્સામાં સત્તાવાર રીતે 15 ઓગસ્ટને બદલે 18 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવે છે.

આ વિસ્તાર દર વર્ષે સ્વતંત્રતા દિવસ 18 ઓગસ્ટે જ ઊજવે છે. આ સમારોહની સાથે સરકારી સંબંધ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર બંગાળના કેટલાક સરહદી વિસ્તારો વિવાદિત હતા. દાખલા તરીકે 15 ઓગસ્ટ, 1947એ જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે બે દિવસ માટે બોંગાંવ તત્કાલીન પૂર્વ પાકિસ્તાનનો હિસ્સો હતું. આ બે દિવસના ફરકને લીધે એ ક્ષેત્ર અલગ સ્વતંત્રતા દિવસ ઊજવતા આવ્યા છે.

બોનગાંવ સિવાય નાદિયા જિલ્લાનાં અન્ય શહેરો –રાણાઘાટ અને કૃષ્ણનગર દર વર્ષે 18 ઓગસ્ટે તિરંગો લહેરાવવા માટે ઓળખાય છે. નાદિયા જિલ્લાના અન્ય ત્રણ વિસ્તારો મેહરપુર, ચુડાનાગા અને કુશ્તિયા- હવે બંગલાદેશનો હિસ્સો છે. ઇતિહાસ અનુસાર નદિયા જિલ્લાના વિસ્તારોને બંગલાદેશમાં ભેળવવાનો વિરોધ પણ થયો હતો, કેમ કે એ હિન્દુ બહુમતી ક્ષેત્ર હતું. 17 ઓગસ્ટ, 1947ની રાતે આ ક્ષેત્રોને ભારતનો હિસ્સો જાહેર કરવામાં આવ્યો હતો.

રાણાઘાટ શહેરમાં દર વર્ષે 18 ઓગસ્ટે આસપાસનાં ગામોમાં નાના કાર્યક્રમોની સાથે એક મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. કેટલાક વિવાદોને કારણે નાદિયાનો મોટો હિસ્સો પ્રારંભમાં પૂર્વ પાકિસ્તાનનો હિસ્સો બનાવવામાં આવ્યો હતો, પણ પછીથી એને ભારતીય ભૂમિમાં સામેલ કરવામાં આવ્યો હતો.