શિર્ડીઃ મહારાષ્ટ્રના લોકપ્રિય ધાર્મિક યાત્રાસ્થળ શિર્ડીમાં આવતી પહેલી મેથી બેમુદત બંધનું એલાન કરવામાં આવ્યું છે. અત્રેના સુપ્રસિદ્ધ સાઈબાબા મંદિરની સુરક્ષા માટે કેન્દ્ર સરકારી સુરક્ષા દળ CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનોને તહેનાત કરવાનો સરકારે નિર્ણય લીધો છે, પણ મંદિરના સંચાલકમંડળનો આની સામે વિરોધ છે. બેમુદત બંધનો આરંભ 1 મેથી થશે. CISFના જવાનોને સામાન્ય રીતે મોટા ઔદ્યોગિક એકમો, મેટ્રો સ્ટેશનો અને એરપોર્ટ્સના રક્ષણ માટે તૈનાત કરવામાં આવે છે.
શિર્ડી મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલું નાનકડું નગર છે. દર વર્ષે દેશના અનેક ભાગોમાંથી તેમજ દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં અહીં સાઈબાબા મંદિરમાં દર્શન કરવા આવે છે. આ મંદિર એહમદનગર-મનમાડ હાઈવે પર આવેલું છે.