ભારે હિમવર્ષા વચ્ચે બદ્રીનાથ મંદિરના દ્વાર ખુલ્લા મુકાયા

દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં હિન્દૂઓની ધાર્મિક આસ્થા સમાન યાત્રાસ્થળ બદ્રીનાથ ધામ મંદિરના દ્વાર આજે સવારે 7.10 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. મંત્રોચ્ચાર, જયકાર અને આર્મી બેન્ડના સંગીતમય તાલ વચ્ચે અને પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે મંદિરના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. એ પ્રસંગે શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતાં. સૌ બેહદ ખુશ દેખાતા હતા અને ‘જય બાબા બદ્રીનાથ’ના નારા લગાવતા હતા. જોકે એ સમયે વરસાદ પડવાનું અને હિમવર્ષા ચાલુ હતું. તે છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી નજરે પડી નહોતી.

આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ પ્રાચીન મંદિર 7-9મી સદીમાં બાંધવામાં આવ્યું હોવાનો પુરાવો છે. આ મંદિરના નામ પરથી જ તેની આસપાસ વસેલા નગરનું નામ બદ્રીનાથ જ રાખવામાં આવ્યું છે. મંદિરને 15 ક્વિન્ટલ ગલગોટાના ફૂલથી શણગારવામાં આવ્યું હતું. આ સાથે, ચારધામ યાત્રામાં સામેલ ચારેય મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓ માટે ફરી ખોલી દેવામાં આવ્યા છે, જે દર વર્ષે શિયાળાની મોસમ દરમિયાન અત્યંત કાતિલ ઠંડી અને તીવ્ર હિમવર્ષાને કારણે બંધ કરી દેવામાં આવે છે. અન્ય ત્રણ ધામ છે – કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી. આ ત્રણેય મંદિરના દ્વાર પણ ખોલી દેવામાં આવ્યા છે. આ વર્ષની ચારધામ યાત્રાનો આરંભ ગઈ 22 એપ્રિલથી થઈ ચૂક્યો છે.