પશ્ચિમ રેલવેની મહિલાઓ દ્વારા સંચાલિત ગૂડ્સ ટ્રેન

મુંબઈઃ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે વિભાગે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ વિભાગ પર ગઈ પાંચ જાન્યુઆરીએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈથી ગુજરાતના વડોદરા સુધી એક માલગાડી દોડાવવામાં આવી હતી. આ માલગાડીની વિશેષતા એ હતી કે એની કર્મચારીઓ મહિલાઓ હતી. ટ્રેનના એન્જિનની ડ્રાઈવર (લોકો પાઈલટ) અને ગાર્ડ, એમ બંને જવાબદારી મહિલા કર્મચારીઓએ સંભાળી હતી. રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ જાણકારી ટ્વિટર માધ્યમથી આપી છે.

કેન્દ્ર સરકારે અપનાવેલા લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણના સંકલ્પ અંતર્ગત પશ્ચિમ રેલવેએ ગૂડ્સ ટ્રેન માટે પણ પહેલી જ વાર મહિલા કર્મચારીઓને તૈનાત કરી હતી. આ ગૂડ્સ ટ્રેન ત્રણ મહિલા કર્મચારીઓની ટીમે દોડાવી હતી. કૂમકૂમ ડોંગરે, ઉદિતા વર્મા અને આકાંક્ષા રાય. આ ત્રણેય મહિલાએ સફળતાપૂર્વક અને કુશળતાપૂર્વક એમની આ કામગીરી બજાવી આપી હતી. આ કામગીરી પડકારજનક અને કઠિન પ્રકારની હોય છે. લાંબા અંતર સુધી પ્રવાસ કરવો પડતો હોય છે. એટલે જ બહુ જૂજ મહિલાઓ લોકો પાઈલટ અને ગાર્ડની ફરજ બજાવવા તૈયાર થાય છે.