પૂનમ હોવાથી ‘વાવાઝોડું-યાસ’ ઘાતક બની શકેઃ IMD

ભૂવનેશ્વર/કોલકાતા: ઓડિશા અને બંગાળ રાજ્યોના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ભીષણ અને વિનાશકારી સમુદ્રી ચક્રવાત વાવાઝોડું ‘યાસ’ના લેન્ડફોલની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. વિસ્તારોમાં હાલ ખૂબ તેજ ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું આજે બપોર સુધીમાં લેન્ડફોલ કરશે એવી આગાહી છે. એ વખતે પવનની ગતિ પ્રતિ કલાક 130-140 કિ.મી. રહેવાની અને 155 કિ.મી. સુધી વધવાની સંભાવના છે.

દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ ચેતવણી આપી છે કે આજે પૂનમ હોવાથી ઓડિશા અને બંગાળના સમુદ્રકાંઠે ત્રાટકનાર વાવાઝોડું યાસ વધારે નુકસાન વેરે એવી સંભાવના છે. સંસ્થાના કોલકાતા સ્થિત કાર્યાલયના અધિકારી સંજીવ બેનરજીનું કહેવું છે કે પૂર્વ મિદનાપુર અને દક્ષિણ 24 પરગણાના કાંઠાળ જિલ્લાઓમાં સૌથી વધારે નુકસાન થઈ શકે છે. ચંદ્રમા જ્યારે પૃથ્વીની સૌથી નજીક આવશે ત્યારે દરિયામાં જળસ્તર ઓછામાં ઓછું એક મીટર જેટલું ઊંચે જઈ શકે છે. પૂર્વ મિદનાપુર જિલ્લામાં ચક્રવાતને કારણે દરિયામાં મોજાં 2-4 મીટર સુધી ઊંચે જઈ શકે છે.